સુકેશ ચંદ્રશેખરનો મોટો દાવો, CM કેજરીવાલના કહેવા પર TRS ઓફિસને 15 કરોડ મોકલ્યા
દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર પોતાના પત્ર દ્વારા મોટો ખુલાસો કર્યો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ
લગાવ્યો છે. તેણે તેની અને TRS નેતા વચ્ચેની વોટ્સએપ ચેટ વિશે વાત કરી છે અને દાવો કર્યો છે કે આ ચેટ સ્પષ્ટપણે જાહેર કરી શકે છે કે કેવી રીતે અરવિંદ
કેજરીવાલે TRS ઓફિસને 15 કરોડ રૂપિયા મોકલવાનું કહ્યું હતું. એટલું જ નહીં, TRS નેતાએ સીએમ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનના કહેવા પર જ આ રકમ
સ્વીકારવાની પુષ્ટિ કરી હતી.
પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે દક્ષિણ જૂથ અને તેના TRS નેતાઓ સાથે સીએમ કેજરીવાલની સાંઠગાંઠ તેમની સાથે ઉપલબ્ધ ચેટ દ્વારા પણ જોઈ શકાય છે.
TRSના આ નેતા દારૂ કૌભાંડ કેસમાં તપાસ હેઠળ છે. સુકેશે એવો પણ દાવો કર્યો છે કે ચેટમાં કોડવર્ડની ચર્ચા થઈ હતી. 15 કરોડ રૂપિયાને 15 કિલો ઘી કહેવાયું હતું
જેથી કોઈને શંકા ન જાય.
કેજરીવાલ લાંબા સમયથી TRS નેતાઓના સંપર્કમાં હતા
સુકેશ ચંદ્રશેખરે તો એવો પણ દાવો કર્યો છે કે તેમની પાસે એવી ચેટ્સ છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી લાંબા સમયથી TRS
નેતાઓ સાથે કેવી રીતે સંપર્કમાં હતા. આ દરમિયાન અંગત સ્તરે અનેક વખત નાણાકીય લેવડ-દેવડ પણ કરવામાં આવી હતી. અંતમાં સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી હટાવો, કેજરીવાલને ભગાડો અને દેશ બચાવો.