રાજકોટમાં ઓનલાઈન ગેમીંગમાં મોટી રકમ હારી ગયેલા યુવાનનો આપઘાત
રાજકોટ, 23 જાન્યુઆરી : રાજકોટમાં અમીન માર્ગ ઉપર ચિત્રકુટધામ સોસાયટીમાં ભાડામાં મકાનમાં રહેતા અને એમ.આર.તરીકે નોકરી કરતા યુવકે ઓનલાઈન ગેમીંગના રવાડે ચડી જતા અને તેમાં મોટી રકમ હારી જતા આપઘાત કરી લીધો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં અમીન માર્ગ પર ચિત્રકુટધામ સોસાયટી શેરી નં.૨ એસ્ટ્રોનના નાલા નજીક ભાડાના મકાનમાં રહેતાં નિકુંજ જેરામભાઇ કથીરીયા (ઉ.વ.૩૬) નામના યુવાને પોતાના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની જાણ ૧૦૮ને કરતા ઇએમટી ચાંદનીબેન પહોંચ્યા હતા.
જેણે આ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ એ. વી. ગોંડલીયાને જાણ કરતા તેમણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. ઘટના જાહેર થતાં પીએસઆઇ એચ. ટી. પરમાર તથા રાઇટર સંજયભાઇએ ઘટના સ્થળે જઇ કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નિકુંજભાઇ કથીરીયા મુળ જામકંડોરણાનો વતની હતો. તેના માતા-પિતા અને પરિવારના બીજા સભ્યો ત્યાં જ રહે છે. પોતે એમઆર (મેડીકલ રિપ્રેઝન્ટેટીવ) તરીકે નોકરી કરતો હોઇ અહિ એકાદ વર્ષથી ભાડે મકાન રાખીને રહેતો હતો. અગાઉ તે સુરત રહી નોકરી કરતો હતો.
ગઇકાલે તેણે એક મિત્રને ફોન કરી આર્થિક ભીંસમાં હોવાની અને તે માટે લોન લેવી છે તેવી વાત કરી હતી. નિકુંજભાઇની આ વાત સાંભળી થોડીવાર બાદ મિત્ર તેના ઘરે પહોંચ્યો હતો. તે વખતે ફળીયામાં તેનું બાઇક પાર્ક કરેલું હોઇ તે અંદર જોવા ગયો હતો. દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં તિરાડમાંથી જોતાં તે લટકતો દેખાતાં દરવાજો તોડી નાંખ્યો હતો અને ૧૦૮ને જાણ કરી હતી. જેના તબિબે તેને મૃત જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે નિકુંજભાઇ ઓનલાઇન ગેમમાં મોટી રકમ હારી ગયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હોઇ તેનો મોબાઇલ કબ્જે લઇ વિશેષ તપાસ યથાવત રખાઇ છે. આપઘાત કરનારના ત્રણ વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં. ઘરમાંથી કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. આ બનાવ એવા તમામ લોકો માટે લાલબત્તી સમાન ગણી શકાય તેવો છે જે મોબાઇલ ગેમના રવાડે ચડી ગયા છે.
આ પણ વાંચો :- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સુરતમાં કેન્સર હોસ્પિટલ અને સેનેટોરિયમનું ઉદઘાટન કરાયું