પાકિસ્તાનઃ ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલો, એક પોલીસકર્મીનું મોત
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભીડભાડવાળા વિસ્તારમાં કાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ શહેરના I-10 સેક્ટરમાં થયો હતો. મળતી માહિતી મુજબ, પોલીસે શંકાસ્પદ કારને રોકતા જ હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી.
મળતી માહિતી મુજબ, આ આત્મઘાતી હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયો છે અને ચાર પોલીસ અધિકારીઓ અને બે નાગરિકો સહિત ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. ઈસ્લામાબાદ પોલીસે પણ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.
خود کش دھماکے میں ہیڈ کانسٹیبل عدیل حسین درجہ شہادت پر فائز ہوگئے۔
اسلام آباد کیپیٹل پولیس کی بروقت کارروائی سے شہر دہشتگردی کے بڑے حملے سے محفوظ رہے۔
شھداء اور زخمی جوانوں کو قوم کا سلام۔ pic.twitter.com/EbPkkPPQn1
— Islamabad Police (@ICT_Police) December 23, 2022
ચેકિંગ દરમિયાન આત્મઘાતી હુમલો
ઈસ્લામાબાદ પોલીસે ટ્વીટ કર્યું, “અધિકારીઓ જ્યારે એક શંકાસ્પદ વાહનને રોકવાનો સંકેત આપ્યો ત્યારે તેઓ સ્નેપ-ચેકિંગ કરી રહ્યા હતા. કાર અધિકારીઓની નજીક રોકાઈ તેના થોડા જ સમયમાં વાહનમાં સવાર એક આત્મઘાતી બોમ્બરે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો. હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયો.” આ હુમલામાં 4 પોલીસકર્મી અને બે નાગરિક ઘાયલ થયા હતા.
ઈસ્લામાબાદના ડીઆઈજીએ માહિતી આપી
ઇસ્લામાબાદના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ સોહેલ ઝફર ચથાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “પોલીસે સવારે 10:15 વાગ્યે I-10/4 નજીક એક પુરુષ અને એક મહિલાને લઈ જતું વાહન જોયું. અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢ્યા પછી, વાહનની તપાસ કરી.” “દંપતી કારમાંથી બહાર આવ્યું અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે, યુવક ફરીથી કોઈ બહાને વાહનમાં ઘુસી ગયો અને પોતાને ઉડાવી દીધો,”
ઘટનાનો વીડિયો વાયરલ થયો
અન્ય એક ટ્વિટમાં, પોલીસે જણાવ્યું હતું કે, “સેક્ટર I-10/4ના સર્વિસ રોડ પૂર્વને દ્વિ-માર્ગી ટ્રાફિક માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે.” આ ઘટના બાદ નાગરિકોને વિકલ્પ તરીકે સેક્ટર I-10/4ના પશ્ચિમના સર્વિસ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક વાહન સળગતું જોવા મળે છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર છે.