- વિદ્યાર્થીની માટે 50 ટકા મેડિકલ શિક્ષણ ફી સરકાર દ્વારા ચૂકવાય
- ડો. નેહલ પ્રજાપતિને આ યોજનાથી રૂ.27,64,000 મળ્યા
- તબીબી શિક્ષણ માટે રૂ.436 કરોડનો ખર્ચ થયો છે
મેડિકલ અભ્યાસ માટે વર્ષ 2017-18થી આરંભ થયેલી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના- MKKNએ ગુજરાતમાં ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીના છ વર્ષમાં 15,425 મહિલા ડોક્ટર ગુજરાતને મળ્યા છે. સોમવારથી શાળા પ્રવેશોત્સવ પૂર્વે આ માહિતી ગુજરાત સરકારે જાહેર કરી હતી.
આ પણ વાંચો: ભારતમાં ફોરેન્સિક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સનો આ તારીખથી ફરજિયાત અમલ કરાશે
તબીબી શિક્ષણ માટે રૂ.436 કરોડનો ખર્ચ થયો
MKKN પ્રોગ્રામ હેઠળ રાજ્યમાં વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીની માટે 50 ટકા મેડિકલ શિક્ષણ ફી સરકાર દ્વારા ચૂકવાય છે. તેના માટે સરકારે CM કન્યા કેળવણી ફંડ ઉભુ કર્યુ છે. વર્ષ 2017-18થી લઈને અત્યાર સુધીમાં MKKN હેઠળ રૂ.436 કરોડ બે લાખનો ખર્ચ થયો છે. જેનો ઉપયોગ મેડિકલ શિક્ષણ ક્ષેત્રે 15,425 વિદ્યાર્થીનીઓને ડોક્ટર બનાવવા થયો છે. 50 ટકા ફી માફી અર્થાત સ્પોન્સરશિપ પ્રોગ્રામને વધુ પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી ચાલુ વર્ષે સરકાર દ્વારા વધુ રૂ.140 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યુ છે.
ડો. નેહલ પ્રજાપતિને આ યોજનાથી રૂ.27,64,000 મળ્યા
ચાલુ વર્ષે તેના દ્વારા વધુ 4,000 જેટલા લાભાર્થી વિદ્યાર્થીનીઓને આવરી લેવામાં આવશે. રાજ્યની 39 મેડિકલ કોલેજોમાં અભ્યાસરત મહિલાઓને તેમના શિક્ષણમાં મદદરૂપ થશે. માત્ર વાર્ષિક રૂ.6 લાખની આવકની મર્યાદા અને વિદ્યાર્થીનીઓના NEETના સ્કોરના આધારે થતી ચયન પ્રક્રિયામાં MBBS અભ્યાસમાં 15,425 પૈકી 4,764 લાભાર્થી મહિલા ડોક્ટર સામાજીક રીતે પછાત વર્ગના છે. વડોદરા સ્થિત SBKS મેડિકલ ઈન્સ્ટિટયુટ એન્ડ રિસર્સ સેન્ટરથી MBBS થયેલા ડો. નેહલ પ્રજાપતિને આ યોજનાથી રૂ.27,64,000 મળ્યા છે. આવી રીતે અનેક મહિલાઓનું ડોક્ટર બનવાનું સ્વપ્નું પૂર્ણ થયુ છે.
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવી અનેક પહેલ કરી
મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ અર્થાત વિમેન લેડ ડેવલપમેન્ટની દિશામાં ગુજરાતમાં કન્યાઓ માટેના શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે સરકારે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવી અનેક પહેલ કરી છે.