‘સક્સેસ સ્ટોરી’ કાંટાળી વનસ્પતિમાંથી કરોડોનું ટર્નઓવર કરતા રાજ શાહ….
‘કચરામાંથી કંચન’ આ મહાવરો તો આપણે અનેકવખત સાંભળ્યો છે. આજે મળો એક એવા વ્યક્તિને જેણે તેને સાચો ઠેરવ્યો છે. વાત છે સાબરકાંઠા જિલ્લાના એક યુવાનની. જેનું નામ રાજ શાહ છે. રાજ શાહે નકામા ગણાતા થોરમાંથી વર્ષે 2.5 કરોડનું ટર્ન ઓવર મેળવ્યું છે. જાણો આજની સક્સેસ સ્ટોરીમાં….
થોરના ફિંડલા વાવવા માટે ખેડૂતોને કર્યા પ્રોત્સાહિત
સાબરકાંઠાના બાયડ પાસેના ગાબટ ગામના રાજ શાહે સ્ટાર્ટઅપ થકી સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જસદણ, જામનગર વિસ્તારના ખેડૂતોને કાંટામાંથી કમાણી કરતા કરી દીધા છે. રાજ શાહ પોતે ફિંડલા કે જેને હાથલિયા થોર તરીકે ઓળખાય છે, એમાંથી જ્યૂસ અને જામ બનાવે છે. રાજ શાહના સ્ટાર્ટઅપે સૌરાષ્ટ્રના ખેડૂતોને કાંટાની ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે. કોઇપણ પ્રકારનો વધારાના ખર્ચ વિના ખેડૂતો ઘર બેઠા એકદમ સરળતાથી રૂપિયા 20-30 હજારનો પાક ઉતારી રહ્યા છે. 100થી વધારે ગામડાંમાં 300થી વધુ લોકોને રોજગારી મળી રહી છે. હાથલિયા થોરના ફળમાંથી જ્યૂસ સહિતની પ્રોડક્ટ્સ બનાવવા માટે રૂપિયા 20 પ્રતિ કિલોના ભાવે ખેડૂતો પાસે હાથલિયા થોરના કાંટામાંથી એનું ફળ (ફિંડલા) ખરીદે છે. એ બનાવવા માટે ખાસ રાજ શાહ દ્વારા જૂનાગઢમાં એનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થઈ છે.
ફિંડલાનો જ્યૂસ પીવાથી હીમોગ્લોબિન વધે છે
પથરાળ જમીનમાં વિવિધ પ્રકારના કાંટા ઊગી નીકળતા હોય છે, જેમાં હાથલિયા થોરના કાંટાનો સમાવેશ પણ થાય છે, જેનું ફળ ફિંડલાના નામથી ઓળખાય છે. આ ફળનો રસ ખાસ હીમોગ્લોબીન, કેન્સર, સગર્ભા મહિલા, મેદસ્વિતાની સમસ્યા સામે અસરકારક સાબિત થાય છે. રાજ શાહનું કહેવું છે કે આ બાબત જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના સંશોધનમાં પણ સાબિત થઈ છે કે ફિંડલાનો જ્યૂસ સ્વાસ્થ્ય માટે અસરકારક છે, જે ખાસ હીમોગ્લબિન ઓછું ધરાવતા લોકો માટે લાભકારક છે. આ ફળથી હીમોગ્લોબિન ફટાફટ વધે છે.
100થી વધારે ગામડાના ખેડૂતો હાથલિયા થોરના ફળ ઉતારે છે
મહત્ત્વપૂર્ણ બાબત છે કે રાજ જ્યારે મુંબઈમાં અભ્યાસ કરતો ત્યારે તેના વતનના સ્થાનિક લોકોએ ગામના ખેડૂતો માટે કંઈક કરવા માટે વિનંતી કરી હતી. ત્યાર બાદ તેને ગાબટની આસપાસ ‘સ્ટીવિયા’ કે જેને ગુજરાતીમાં મીઠી તુલસી તરીકે ઓળખવામાં આવે છે, એની ખેતી કરી, પરંતુ એમાં સફળતા ન મળી. એ બાદ તેને સૌરાષ્ટ્રમાં થતા હાથલિયા થોરના કાંટા કેવી રીતે મદદરૂપ થઈ શકે એ અંગે કામગીરીની શરૂઆત કરી, જેમાં તેને સફળતા મળી. પરિણામે, આજે 100થી વધારે ગામડાંમાં ખેડૂતો હાથલિયા થોરના ફળ ઉતારી રહ્યા છે.
કુદરતી રીતે જ હાથલિયા થોર ઊગે છે
હાથલિયા થોરની ખેતી કરવાની કોઈ ખાસ રીત નથી હોતી, કુદરતી રીતે જ એ રેતાળ વિસ્તારમાં ઊગી નીકળતા હોય છે. રાજ શાહે જણાવ્યું હતું કે એની ખેતી નથી કરવામાં આવતી, પરંતુ તેઓ હાથલિયા થોરના કાંટાના છોડને અન્ય સ્થળ પર રોપી એને વિકસાવવા પ્રયાસ કરે છે.
વર્ષે 2.5 કરોડનું ટર્નઓવર કરે છે
રાજ શાહનું કહેવું છે કે આજે હાથલિયા થોરમાંથી બનતા જ્યૂસ અને જામનું વર્ષે અઢી કરોડનું ટર્નઓવર છે, આ પ્રોડક્ટની વર્ષ 2019માં પેટન્ટ પણ તેઓ મેળવી ચૂક્યા છે. આગામી દિવસોમાં તેઓ આ પ્રોડક્ટ્સ વિદેશ, એટલે કે યુએસમાં મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.