ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આઝાદીની લડાઈ: સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોના હાથમાંથી છટકીને બનાવી ‘આઝાદ હિંદ ફોજ’

આઝાદીની લહેર HD ન્યૂઝ સાથે: સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી નેતા હતા, તેમનું લક્ષ્ય ભારતની આઝાદી હતું. રાજનેતા હોવાની સાથે તે સ્પષ્ટ વક્તા પણ હતા. તેઓ અંગ્રેજો સાથે ભારતની આઝાદી માટે કોઈપણ કિંમતે સમજૂતી કરવા તૈયાર નહોતા.

આરંભમાં તેઓ મહાત્માં ગાંધી સાથે દેશના આઝાદી આંદોલનમાં સામેલ હતા પણ બાદમાં મતભેદના કારણે ગાંધી અને કોંગ્રેસથી અલગ થયા અને 1939માં તેમણે ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના પક્ષની સ્થાપના કરી.

સુભાષ માનતા કે અંગ્રેજો જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ફસાયેલા હોય ત્યારે રાજકીય અસ્થિરતાનો લાભ લઈ સ્વતંત્રતાના પ્રયાસો કરવા જોઈએ. યુદ્ધ પૂરું થાય તે પછી અંગ્રેજો સ્વતંત્રતા આપે તે મતના તેઓ નહતા.

ભારતને બીજા વિશ્વયુદ્ધમાં સામેલ કરવા સામે પણ તેમણે વિરોધ કર્યો. અંગ્રેજોએ તેમને જેલમાં પૂર્યા. તેમણે જેલમાં ભૂખહડતાળ કરી. બાદમાં અંગ્રેજોએ તેમને જેલમાંથી મુક્ત કરી, ઘરમાં જ નજરબંધ કર્યા. આ સમય દરમિયાન સુભાષ ભારતથી જર્મની ભાગી ગયા. ત્યાં યુદ્ધમોરચે તાલીમ લીધી અને ત્યાં તેમણે સેના પણ બનાવી.

આ પણ વાંચો-INDEPENDENCE DAY 2023 : શું તમે પણ ધ્વજવંદન અને ધ્વજારોહણને સમજવામાં કરી રહ્યા છો આ ભૂલ?, જાણો આ મોટા અંતર વિશે

આઝાદ હિંદ ફોજ અને તેનો વિસ્તાર

આઝાદ હિંદ ફોજના સ્થાપક રાસબિહાર બોઝને તેમણે જર્મનીમાં આમંત્રણ આપ્યું હતું. ડૉક્ટર રાજેન્દ્ર પટોરિયા તેમના પુસ્તક ‘નેતાજી સુભાષ’માં લખે છે, ”4 જુલાઈ, 1943માં સિંગાપોરના કેથે ભવનમાં એક સમારોહમાં રાસબિહારી બોઝે આઝાદ હિંદ ફોજનું સુકાન સુભાષ ચંદ્ર બોઝને સોંપ્યું.”

સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદના સર્વોચ્ચ સેનાપતિ તરીકે સ્વતંત્ર ભારતમાં અસ્થાયી સરકાર બનાવી, જેને જર્મની, જાપાન, ફિલિપાઇન્સ, કોરિયા, ચીન, ઇટાલી, આયરલૅન્ડ સહિત નવ દેશોએ માન્યતા આપી.

આઝાદ હિંદ સરકાર

સુભાષે આઝાદ હિંદ ફોજને ભારે શક્તિશાળી બનાવી. ફોજને આધુનિક યુદ્ધ માટે તૈયાર કરવા જન, ધન અને સંસાધન એકઠાં કર્યાં. રાજેન્દ્ર પટોરિયા લખે છે, “આઝાદ હિંદની ઐતિહાસિક સિદ્ધિ એ હતી કે તેણે જાપાનની મદદથી અંદામાન નિકોબાર દ્વિપસમૂહને ભારતના પહેલા સ્વાધીન ભૂભાગ રુપે મેળવ્યો. નેતાજીએ રાષ્ટ્રીય આઝાદ બૅન્ક અને સ્વાધીન ભારત માટે પોતાનું ચલણ બહાર પાડવાનો આદેશ આપ્યો.

મહિલા સશક્તીકરણ

નેતાજી દીર્ઘદ્રષ્ટા હતા. તેમણે આઝાદ હિંદ ફોજમાં મહિલા રેજિમૅન્ટ રચેલી જેનું સુકાન કૅપ્ટન લક્ષ્મી સ્વામીનાથનને સોંપ્યું હતું. તેને રાણી ઝાંસી રેજિમૅન્ટ નામ અપાયું હતું. વડાપ્રધાને આ રેજિમૅન્ટનો ઉલ્લેખ લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણમાં કર્યો હતો.

આ પણ વાંચો-શું તમે જાણો છો ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ વિશે?

નેતાજીએ ‘ફૉરવર્ડ’ નામની પત્રિકા સાથે આઝાદ હિંદ રેડિયોની સ્થાપના કરી અને જનમત ઊભો કર્યો. બહુ જ જૂજ સાધન સાથે તૈયાર થયેલી આઝાદ હિંદ ફોજ, આઝાદ હિંદ સરકાર, આઝાદ હિંદ રેડિયો અને રાણી ઝાંસી રેજિમેન્ટ નેતાજીની વિશેષ સિદ્ધિ રહી.

હારી ગઈ આઝાદ હિંદ ફોજ

ઈમ્ફાલ અને કોહિમાના મોરચે ભારતીય બ્રિટિશ સેનાને આઝાદ હિંદ ફોજે યુદ્ધમાં ઘણીવાર હરાવી. પણ જર્મની અને ઇટાલીની હાર સાથે જ 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. યુદ્ધમાં લાખો લોકો માર્યાં ગયાં. જ્યારે યુદ્ધ ખતમ થવાના આરે હતું ત્યારે 6 અને 9 ઑગસ્ટ, 1945માં અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશીમા અને નાગાસાકી પર અણુબૉમ્બ ફેંક્યા.

જેમાં બે લાખથી વધુ લોકો માર્યાં ગયાં. આ ગાળામાં જ જાપાને આત્મસમર્પણ કર્યું. ડૉક્ટર રાજેન્દ્ર પટોરિયાએ તેમના પુસ્તક ‘નેતાજી સુભાષ’માં લખ્યું કે જાપાનની હાર બાદ કપરાં સંજોગોમાં ફોજે આત્મસમર્પણ કર્યું. ત્યારબાદ સૈનિકો પર લાલ કિલ્લામાં કેસ ચાલ્યો. જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે આખું ભારત ઊકળી ઉઠ્યું. જે ભારતીય સેનાના જોરે અંગ્રેજો રાજ કરી રહ્યા હતા, તે વિદ્રોહી બની.

“નૌકાદળના વિદ્રોહે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાંખ્યા. અંગ્રેજો સારી રીતે સમજી ચૂક્યા હતા કે રાજનીતિ અને કૂટનીતિના જોરે રાજ કરવું મુશ્કેલ થશે. તેમણે ભારતને સ્વાધીન કરવાની ઘોષણા કરવી પડી.”

આ પણ વાંચો- ગુજરાતના યુવાનો માટે ખુશખબર! GPSCમાં આવી મોટી ભરતી ,જાણો ક્યારથી ફોર્મ ભરી શકશો ?

Back to top button