અમદાવાદગુજરાત

AMCના એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે સાબરમતિ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Text To Speech

અમદાવાદ, 27 માર્ચ 2024, AMCના એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી જીવન ટૂંકાવ્યું છે. ફાયરબ્રિગેડને મંગળવારે મોડીરાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવાની માહિતી મળી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

એકાદ કલાકની શોધખોળ બાદ ફાયરની ટીમને લાશ મળી
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ ફાયરબ્રિગેડને મંગળવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ મેસેજ મળ્યો હતો કે, પાલડી તરફ સાબરમતી નદીમાં એક વ્યક્તિએ પડતું મૂકી આપઘાત કર્યો છે. જેથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. એકાદ કલાકની શોધખોળ બાદ ફાયરબ્રિગેડની ટીમને લાશ મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે પોલીસને જાણ કરતા સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક અંગેની તપાસ કરતા તેનું નામ જયદીપ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.

બોડકદેવ વોર્ડમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા
મૃતક જયદીપ AMCના એસ્ટેટ વિભાગમાં બોડકદેવ વોર્ડમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. મૃતક જયદીપ પટેલ મંગળવારથી જ ગુમ હોવા અંગેની માહિતી મળી હતી. ગુમ હોવા અંગેની જાણકારી સોશિયલ મીડિયામાં અને પોલીસને પણ આપવામાં આવી હતી. જયદીપનું બાઈક સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી મળી આવ્યું હતું. જેથી સાબરમતી નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો હોવા અંગેની પણ શંકા હતી. જયદીપ પટેલે કયા કારણોસર આપઘાત કર્યો એ અંગે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃઅમદાવાદ: ડો. વૈશાલી આત્મહત્યા કેસમાં આરોપી PI ખાચરને બચાવવા પોલીસ મેદાને

Back to top button