અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગફૂડમધ્ય ગુજરાતહેલ્થ

અભ્યાસ 10 સુધીનો છતાં જમીનના ડોક્ટર એવા ગજેન્દ્રસિંહ વાઘેલાએ કરી લાખોમાં કમાણી

  • પાકૃતિક ખેતી થકી આ ખેડૂતે કરી લાખોમાં આવક
  • ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા બન્યા અન્ય ખેડૂતો માટે પ્રેરણારુપ
  • પશુપાલન અને પ્રાકૃતિક ખેતી થકી કરી અઢળક કમાણી 
  • કઈ રીતે આ ખેડૂતે કર્યુ શુન્યમાંથી સર્જન? વાંચો આ અહેવાલ
khedut-hdnews
સફળ પ્રાકૃતિક ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા

‘કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આ કહેવત અને ‘જે ઘરમાં ગાય પૂજાતી હોય ત્યાં ગોવિંદ મળવા જાય’ આ પંક્તિને પણ પોતાના જીવનમાં અક્ષરસહ ઉતારનાર અમદાવાદના સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦ લાખની તેમજ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયળ, કેળ, સરગવો, ખારેક તેમજ ઘઉં અને ડાંગરની ખેતી કરીને વાર્ષિક રૂ. ૧૪-૧૫ લાખની આવક મેળવી રહ્યા છે. માત્ર ધોરણ 10 પાસ એવા ગજેન્દ્રસિંહ વાઘેલા અનુભવજન્ય જ્ઞાન થકી જમીનના ડોક્ટર બની ચૂક્યા છે. આ ઉપરાંત પશુપાલનમાં પણ માહેર છે. આમ, સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા પ્રાકૃતિક ખેતી તેમજ ગીર ગાયના દૂધ અને તેની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૩૪ થી ૩૫ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે.

KHETI-1-HDNEWS

ગુજરાતના ખેડૂતોને લેવા જેવી છે પ્રેરણા
ગુજરાતના ખેડૂતો ખેતી સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલા હોય છે. ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે. ગજેન્દ્રસિંહ વાઘેલા છેલ્લાં સાત-આઠ વર્ષથી ત્રીસ વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. આ અગાઉ તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતાં પરંતુ તેમાં ખર્ચ વધુ અને આવક ઓછી મળવા સાથે જમીનનો બગાડ પણ થતો હતો. જેથી તેઓએ સુભાષ પાલેકરજી, આચાર્ય દેવવ્રત, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય રાખવાનો નિર્ણય અમલમાં મૂકયો અને હાલમાં તેમની પાસે ૩૫ પુખ્ત ગાયો અને ૪૫ જેટલી વાછરડીઓ છે.

KHETI-2-HDNEWS

શું કહ્યું સફળ ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલાએ?
આ અંગે ગજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, હું છેલ્લાં ૧૬-૧૭ વર્ષોથી ખેતી કરી રહ્યો છું. અગાઉ પાકના ઉત્પાદન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેમ કે ખાતર, બિયારણ અને આમ છતાં પણ ઉત્પાદન સારું નહોતું થતું. પરંતુ આ પ્રાકૃતિક ખેતીથી ખર્ચાળ વસ્તુઓ ઓછી થઈ અને પાક સારો મળી રહ્યો છે અને આવકમાં વધારો થયો છે. સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં ભાગ લીધા બાદ મેં વર્ષ ૨૦૧૫-૨૦૧૬થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પ્રથમ વર્ષે ઘન જીવામૃત અને જીવામૃતનો ઉપયોગ ન કરવાને લીધે ઉત્પાદન ઘટ્યું હતું. ત્યારબાદ મેં તમામ પ્રકારના જીવામૃતનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું અને તેનો ફાયદો મને ધીમે-ધીમે મળતો થયો.

પ્રાકૃતિક ખેતી થકી કરી લાખોમાં કમાણી
ગજેન્દ્રસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત મેં ૧ વીઘાથી કરી હતી ત્યારબાદ ૨-૫-૧૦ વીઘા અને છેલ્લાં ૨-૩ વર્ષથી સતત ૩૦ વીઘામાં ખેતી કરી રહ્યો છું. પ્રાકૃતિક ખેતી થકી મને છેલ્લા બે- ત્રણ વર્ષમાં સારું ઉત્પાદન મળ્યું છે અને ઉત્પાદન સારું થવાથી આવકમાં પણ વધારો થયો છે, મારી આવક પણ બમણી થઇ છે. એટલું જ નહીં, પ્રાકૃતિક કૃષિમાં કિટનાશક રોગ અંગે પાલેકરજીએ સમજાવ્યું હતું એ મુજબ બ્રહ્માસ્ત્ર, નિમાશસ્ત્ર, અગ્રાનાસ્ત્ર અને દસપર્ણિય પણ બનાવીને ઉપયોગ કરવાથી મારા ખેતરમાં કોઇપણ પ્રકારનો રોગ પણ આવ્યો નથી.

KHETI-3-HDNEWS

દૂધ અને દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦ લાખની આવક!

ગજેન્દ્રસિંહ વાધેલાએ કહ્યું કે, અમારી ગીર ગૌશાળામાં અત્યારે ૩૫ પુખ્ત ગાયો અને ૪૫ જેટલી વાછરડીઓ છે. હું અત્યારે ગૌસંવર્ધન કરું છું અને અમને પરિણામ સારું મળી રહ્યું છે. બુલની જે વાછરડીઓ થઇ છે એ અત્યારે ૮-૯ લિટરનું દૂધ આપતી થઇ છે. હું અત્યારે ૮૦ રૂપિયા લીટર દૂધ, ૨૦ રૂપિયા લીટર છાશ, ૨૫૦૦ રૂપિયા કિલો ઘી અને ૧૨૦૦ રૂપિયા કિલો માખણ અમે વેચીએ છીએ. આમ મને વાર્ષિક અંદાજિત ૧૯થી ૨૦ લાખ રૂપિયાની આવક થાય છે. ગીરની એક ગાયમાંથી અંદાજિત ૭થી ૮ લિટરનું દૂધ મળી રહે છે. અમે બેસ્ટમાં બેસ્ટ એ-2 મિલ્કનું વેચાણ કરીએ છીએ. એટલું જ નહીં, મને ગીર ગાયના નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકાર તરફથી માસિક ૯૦૦ રૂપિયાની સહાય પણ મળે છે.

KHETI-4-HDNEWS

દર સિઝનમાં માત્ર આંબામાંથી દોઢથી 2 લાખની આવક

ગજેન્દ્રસિંહે કહ્યું કે, અમારા વિસ્તારમાં ડાંગર અને જઉં સિવાય બીજો કોઇ પાક થતો નહોતો એ સમયે મેં આંબા ૧૦ વર્ષ અગાઉ વાવવાની શરૂઆત કરી હતી. મેં ગાંધીનગર ખાતે આયોજિત સુભાષ પાલેકરની શિબિરમાં ભાગ લીધો હતો, ત્યાંથી પ્રાકૃતિક રીતે આંબા કેવી રીતે વાવવા તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. આંબામાં જીવામૃત આપવાની શરૂઆત કરી જેનાથી મને રિઝલ્ટ સારું મળતું થયું. પાલેકરશ્રીએ છંટકાવ કરવાની પદ્ધિતિ આપી હતી એ પ્રમાણે મેં છંટકાવ કર્યો ત્યારે શરૂઆતમાં આંબાનું ઉત્પાદન ૫૦થી ૬૦ કિલો હતું એ વધીને ૧૦૦થી ૧૫૦ કિલો થવા લાગ્યું. અત્યારે લગભગ ૧૦-૧૧ વર્ષના આંબા થયા છે, એક આંબા પરથી અંદાજિત ૧૦૦થી ૧૫૦ કિલો જેવી કેરીઓ નીકળે છે. આ આંબામાંથી મને સિઝનમાં અંદાજિત દોઢથી બે લાખ રૂપિયાની આવક થાય છે.

આ પણ વાંચો: દસક્રોઈ તાલુકાના વાંચ ગામના ખેડૂતોને ફળી ફાલસાની ખેતી, કરી અઢળક કમાણી

Back to top button