મોંઘા લગ્નો કરનાર કપલના સંબંધો જોખમમાંઃ અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
- પહેલાના સમયમાં લગ્નની જવાબદારી પરિવાર અને સ્વજનો પર હતી
- આજે ઇવેન્ટ કંપનીઓ મોંઘા વેડિંગ કરીને કરી રહી છે કમાણી
- લગ્નોના બદલે કપલ્સે કરવો જોઇએ હનીમુન પર ખર્ચો
પહેલાના સમયમાં લગ્નો મોટાભાગે ઘર કે મંદિરોમાં જ થતા હતા. સમગ્ર વ્યવસ્થાની જવાબદારી પરિવાર અને સ્વજનો પર જ હતી. લોકો લગ્નમાં થતા ખર્ચની સાથે તેમની બચતની પણ એટલી જ ચિંતા કરતા હતા, પરંતુ હવે ટ્રેન્ડ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે મોંઘા લગ્નો થઇ રહ્યા છે. લોકો મોંઘા લગ્નો માટે ગમે તેટલા રૂપિયા ખર્ચ કરવા તૈયાર રહે છે. કોઈપણ ચિંતા કર્યા વિના તે દિવસનો આનંદ માણી લેવા ઇચ્છે છે અને દરેકને એ દિવસ બતાવી દેવા ઇચ્છે છે. આ સુવિધા આપીને આજે વેડિંગ કરાવતી ઇવેન્ટ કંપનીઓ અબજોની કમાણી કરી રહી છે.
તેમાં કોઈ બેમત નથી કે દરેક વ્યક્તિ એવા ભવ્ય લગ્ન કરવા માંગે છે, જેના ઉદાહરણો આપતા લોકો ક્યારેય થાકતા નથી. આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેઓ તેમના લગ્ન પાછળ આંખ મીંચીને ખર્ચ કરે છે, પરંતુ શું તમે જાણો છો, મોંઘા લગ્નો લગ્નજીવન માટે અભિશાપ સમાન છે. એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓછા બજેટના લગ્નો કરતાં મોંઘા લગ્નો તુલનાત્મક રીતે ઓછા ચાલે છે. મોંઘા લગ્નો કરનારા કપલમાં ડિવોર્સની શક્યતાઓ વધુ રહે છે.
3000 કપલ પર થયો સ્ટડી
લગ્ન ખર્ચ અંગેનો આ અભ્યાસ અમેરિકામાં 3000થી વધુ પરિણીત યુગલો પર કરવામાં આવ્યો છે. તે અર્થશાસ્ત્રના પ્રોફેસર એન્ડ્રયૂ ફ્રાન્સિસ-ટેન અને હ્યુગો એમ મિઆલોન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે વ્યક્તિએ તેમના લગ્ન માટે બહુ ઓછો ખર્ચ કરવો જોઈએ. જે કપલ આવું નથી કરતા તેઓ સામાન્ય રીતે તેમના સંબંધોમાં ઓછા ખુશ જોવા મળે છે
મોંઘા લગ્નોની સાઇડ ઇફેક્ટ્સ
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લગ્નો વધુ મોંઘા હતા તેમના છૂટાછેડા થવાની શક્યતા વધુ હતી.
કપલ્સે આ વસ્તુ પર કરવો જોઈએ ખર્ચ
લગ્ન ખર્ચ કરવો ભલે સારુ ન ગણાતુ હોય, પરંતુ અભ્યાસમાં એ વાત સામે આવી છે કે હનીમૂન પર જવું એ છૂટાછેડાના ખતરાને ઘટાડે છે. આવા સંજોગોમાં લગ્નને બદલે કપલ્સે સાથે હનીમૂન માટે વધુ ખર્ચ કરવો જોઈએ. હનીમૂન એ એક સારો સમય છે જ્યાં કપલ્સ લગ્ન સાથે સંકળાયેલી જવાબદારીઓનો સામનો કરતા પહેલા એકબીજા સાથેના તેમના બંધનને મજબૂત કરે છે .
આ પણ વાંચોઃ KBC દરરોજ બિગ બી પર કેટલો ખર્ચ કરે છે? અમિતાભ બચ્ચનની એક દિવસની કમાણી તમને ચોંકાવી દેશે