અમદાવાદ, 5 જાન્યુઆરી 2024, વડાપ્રધાન મોદી જે સ્કૂલમાં ભણ્યા હતા તે સ્કૂલમાં હવે સ્ટડી ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર દેશની સ્કૂલોના વિદ્યાર્થીઓને ગુજરાતના વડનગરસ્થિત વડાપ્રધાન જે સ્કૂલમાં ભણ્યા તે સ્કૂલમાં સ્ટડી ટૂર પર જવાની તક મળી છે. ધોરણ 9થી 12ના જે વિદ્યાર્થીઓ આ સ્ટડી ટૂર કરી શકશે. એ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેના માટે મંત્રાલય દ્વારા ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સમગ્ર વર્ષમાં દર સપ્તાહે 10 છોકરીઓ અને 10 છોકરાઓ એમ 20 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ આ ટુરમાં ભાગ લઈ શકશે.
પ્રેરણા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આધારશિલા છે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટુર કરવાથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં વધુ ફોકસ કરવાનો અનુભવ મળશે. રીયલ લાઈફ હીરોની વાર્તાઓ દ્વારા લાઈફ ક્વોલિટી જેવા સાહસ અને કરૂણા વિશે આ ટૂરમાં સમજણ આપવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રેરણાઃ એક અનુભાવાત્મક શિક્ષણ નામે આ કાર્યક્રમનો હેતુ ટૂરમાં આવેલા તમામ સહભાગીઓને સાર્થક અને પ્રેરક અનુભવ પ્રદાન કરવાનો તથા તેમને નેતૃત્ત્વ ગુણોથી સશક્ત બનાવવાનો છે. મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતીય શિક્ષણ પ્રણાલીના સિદ્ધાંતો અને મૂલ્ય-આધારિત શિક્ષણને એકીકૃત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા પ્રેરણા દ્વારા જ મળે છે, જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આધારશિલા છે.
The Department of School Education & Literacy, Ministry of Education has launched the online registration portal for the ‘Prerana: School of Experiential Learning Program.’ It aims to offer a meaningful & inspiring experience to empower students with leadership qualities.
The… pic.twitter.com/TcEfjWZBvI
— Ministry of Education (@EduMinOfIndia) January 4, 2024
આ સ્કૂલમાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો છે
આ ટૂરનો કાર્યક્રમ ગુજરાતના વડનગરમાં 1888માં સ્થાપિત વર્નાક્યુલર સ્કૂલમાં યોજાશે. આ સ્કૂલમાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો હતો. 1888માં શરૂ થયેલી આ સ્કૂલનું નામ વડનગર કુમારશાળા નંબર-1 હતું. 2018માં આ સ્કૂલને બંધ કરીને તેનું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું. વડનગર માટે એક મેગા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI)એ આ સ્કૂલની મરામત કરી છે. આ દરમિયાન આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને નજીકની કન્યાશાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હવે નવી બનેલી સ્કૂલમાં આઠમા સુધીના ક્લાસ, એક કેફે, ઓરિએન્ટેશન સેન્ટર વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ આ ટૂરમાં શું શીખશે?
આ ટૂરના કેન્દ્રમાં મૂલ્ય આધારિત શિક્ષણ છે. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળ તત્વોમાંથી એક છે. આ ટૂરમાં વિદ્યાર્થીઓને એક સપ્તાહના કાર્યક્રમના માધ્યમથી નવી ટેકનોલોજી અને વ્યવહારિક ગતિવિધીઓના માધ્યમથી શિક્ષણનાં મૂલ્યોનો અનુભવ મેળવવાનો અવસર પ્રદાન થશે. આ ટૂરમાં મુખ્ય નવ વિષય પર શિક્ષણ અપાશે. જે ગતિવિધિ આધારિત શિક્ષણના માધ્યમથી આનંદમય અને સાર્થક અધિગમ માટે અવસર પ્રદાન કરે છે. સ્વાભિમાન અને વિનય, શોર્ય અને સાહસ, પરિશ્રમ અને સમર્પણ, કરૂણા અને સેવા, વિવિધતા અને એકતા, સત્યનિષ્ઠા અને શૂચિતા, નવિનતા અને જિજ્ઞાસા, શ્રદ્ધા અને વિશ્વાસ, સ્વતંત્રતા અને કર્તવ્ય જેવાં જીવનમૂલ્યોનો વિસ્તાર આઠ કક્ષાઓમાં થશે. વિદ્યાર્થીઓ વડનગરમાં પુરાતાત્વિક અને પ્રાચીન વારસો ધરાવતાં સ્થળોની મુલાકાત પણ લઈ શકશે.
આ પણ વાંચોઃ ગુજરાતઃ મતદારયાદી સુધારણા દરમિયાન 6 લાખથી વધુ નવા મતદાર ઉમેરાયા