NIMCJના વિદ્યાર્થીઓએ રામ-ભરત મિલાપ સહિતના કાર્યક્રમો સાથે રામદિવાળીની ઉજવણી કરી
- રામાયણ ક્વિઝ, નૃત્ય નાટિકા, રામ-ભરત મિલાપ, કાવ્ય પઠન સહિતના કાર્યક્રમો થયા
અમદાવાદ, 22 જાન્યુઆરી: આજે અયોધ્યામાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (એનઆઈએમસીજે)ના વિદ્યાર્થીઓ અને ટીમ મેમ્બર્સ દ્વારા અમદાવાદ ખાતે હર્ષોલ્લાસથી “રામદિવાળી”ની ઉજવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સાથે મળીને રામાયણ ક્વિઝ, નૃત્ય નાટિકા, રામ-ભરત મિલાપ, કાવ્ય પઠન સહિતના કાર્યક્રમો કરીને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી.
વિદ્યાર્થીઓ અને એનઆઇએમસીજે પરિવારના સભ્યોએ સમગ્ર પરિસરને ફુલહાર અને દીવડાથી શણગાર સજાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામાયણ આધારિત ક્વિઝમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને સી.રાજગોપાલાચારી દ્વારા લીખિત “રામાયણ” પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રભુ શ્રીરામના જીવન કવન પર આધારિત “ઓપન માઈક”માં ફ્યુઝન નૃત્ય નાટીકા, વક્તૃત્વ, રામ-ભરત મિલાપ સ્કીટ અને શ્રીરામ આધારિત કાવ્યો, ગીતો વિદ્યાર્થીઓએ રજૂ કરી વાતાવરણ રામમય બનાવ્યું હતું. ઓપન માઈક સહિતના કાર્યક્રમોમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમ બાદ સહુએ સાથે મળીને અયોધ્યામાં પ્રભુ શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા બાદ સંસ્થાના પરિસરમાં સહુએ રામઆરતી કરીને રામપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો પાયલ ભાલાણી, કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા ઇન્સ્ટ્રક્ટર નિખિલ યાદવ અને સમગ્ર ટીમે યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં રામના આવવાનો અનેરો ઉત્સાહ, ઢોલ-નગારા સાથે શોભાયાત્રા નીકળી