દાંતીવાડા વેટનરી કોલેજના છાત્રો ઇન્ટર્નશિપ ભથ્થાના મુદ્દે રોડ પર ઉતર્યા
પાલનપુર:બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટેનરી કોલેજના વિદ્યાર્થીઓએ ધરણાં બાદ સોમવારે ઇન્ટર્નશીપ ભથ્થુ વધારવા મુદ્દે પાલનપુરમાં વિશાલ રેલી યોજી હતી. અને પોતાની માંગણી દોહરાવી હતી.
બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ. યુનિવર્સિટીના વેટેનરી કોલેજના વિદ્યાર્થીઓ બે દિવસથી હડતાળ ઉપર ગયા છે.તેમણે ઇન્ટર્નશીપનું ભથ્થુ વધારવાની માંગ સાથે મંગળવારે ધરણાં પ્રદર્શન કર્યું હતું.ત્યારબાદ બુધવારે રોડ પર ઉતર્યા હતા. આ વેટરનરી વિદ્યાર્થીઓએ બેનરો સાથે પાલનપુરના એરોમા સર્કલથી કલેકટર કચેરી સુધી વિશાલ રેલી કાઢી હતી. અને સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ સુત્રોચાર કર્યા હતા. સરદાર કૃષિ વેટેનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટીના નેજા હેઠળની દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને નવસારી કોલેજના વિદ્યાર્થીઓ અનિશ્ચિત હડતાલ પર છે. વેટરનરી વિભાગના વિદ્યાર્થીઓને તેમને મળતું ઇન્ટર્નશીપ ભથ્થું રૂ.4200 થી વધારી રૂ.18000 કરવાની માંગને લઈને વિદ્યાર્થીઓ હડતાલ પર છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના વેટેનરી વિભાગના 320 વિદ્યાર્થીઓએ ધરણા કર્યા બાદ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓએ મક્કમ થઈને જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી શિક્ષણ અને ક્લિનિકલ કાર્યનો બહિષ્કાર કરાશે.