ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI) ગેરકાયદે સંગઠન, પ્રતિબંધ લંબાયો

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI)ને UAPA હેઠળ ભારત સરકાર દ્વારા 5 વર્ષના સમયગાળા માટે ‘ગેરકાયદેસર સંગઠન‘ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે એટલે 29 જાન્યુઆરીએ X પર પોસ્ટ દ્વારા આ પ્રતિબંધને લંબાવવાના આદેશની માહિતી શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે,  દેશમાં ઘણી આતંકવાદી ગતિવિધિઓમાં તેની સંડોવણી અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે તેના સંબંધોને કારણે ભારત સરકારે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા પર કાયદાકીય પગલું ભર્યું છે.

ગૃહ મંત્રાલયે પોસ્ટમાં લખ્યું છે કે આતંકવાદ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સ નીતિને અનુરૂપ, ‘સ્ટૂડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા’ (SIMI)ને આગામી પાંચ વર્ષ માટે UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ સરકારે SIMI પર  31 જાન્યુઆરી, 2019ના રોજ પ્રતિબંધ લાદ્યો હતો.

SIMIએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા

ગત વર્ષે પ્રતિબંધને લઈને SIMIએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જો કે, ત્યારબાદ કોર્ટે SIMI પર લાદવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધની અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણીય બેન્ચમાં અનુચ્છેદ 370 પર સુનાવણી પૂર્ણ થયા બાદ આ તમામ બાબતો પર વિચાર કરાશે.

ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપવાનો ઉદ્દેશ: કેન્દ્ર

ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટેને કહ્યું હતું કે ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાના SIMIના ઉદ્દેશ્યને હાંસલ કરવાની મંજૂરી આપી શકાય નહીં. સરકારે કહ્યું હતું કે પ્રતિબંધિત સંગઠનના સભ્યો હજુ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા એફિડેવિટમાં કેન્દ્રએ કહ્યું હતું કે SIMIના સભ્યો અન્ય દેશોમાં સ્થિત તેમના સહયોગીઓ અને માસ્ટર્સ સાથે સતત સંપર્કમાં છે અને તેમની પ્રવૃત્તિઓ ભારતમાં શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે. સરકારે એમ પણ કહ્યું હતું કે SIMIનો ઉદ્દેશ્ય ભારતમાં ઇસ્લામ ફેલાવવાનો અને ‘જેહાદ’ માટે વિદ્યાર્થીઓ અને યુવાનોનું સમર્થન મેળવવાનો છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારને ભારે ડીઝલ વાહનો હટાવવા નીતિ બનાવવાનો SC નો આદેશ

Back to top button