પાકિસ્તાનમાં વોટ્સએપ પર ઈશનિંદા કરવા બદલ વિદ્યાર્થીને મૃત્યુદંડની સજા
લાહોર (પાકિસ્તાન), 09 માર્ચ: પાકિસ્તાનમાં 22 વર્ષીય વિદ્યાર્થીને ઈશનિંદાના આરોપમાં મોતની સજા ફટકારવામાં આવી છે. તેણે કથિત રૂપે ઇશનિંદા કન્ટેન્ટ બનાવ્યું હતું. જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક અદાલતના ન્યાયાધીશે કહ્યું કે 22 વર્ષીય આરોપીએ કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા, જેમાં પ્રોફેટ મોહમ્મદ અને તેમની પત્નીઓ વિશે કથિત રીતે વાંધાજનક વાતો કહેવામાં આવી હતી આ શેર કરવા બદલ એક સગીરને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો
વિદ્યાર્થી સામેના આરોપો પરના તેના ચુકાદામાં કોર્ટે કહ્યું કે તેમણે “મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી” ઈશનિંદા કન્ટેન્ટ શેર કર્યું હતું. કન્ટેન્ટ શેર કરનારા વ્યક્તિને આજીવન કેદની સજા કરવામાં આવી છે અને તેની ઉંમર 17 વર્ષ હોવાનું કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર, બંનેએ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમના વકીલોએ દલીલ કરી હતી કે તેઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. 2022માં પાકિસ્તાન ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સાયબર સેલે લાહોરમાં બંને વિદ્યાર્થીઓ સામે કેસ નોંધ્યો હતો.
ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે તેમને ત્રણ અલગ-અલગ મોબાઈલ ફોન નંબરો પરથી ઈશનિંદા કન્ટેન્ટ ધરાવતા વીડિયો અને તસવીરો મળી છે. ફરિયાદીનો ફોન તપાસ્યા બાદ તપાસ એજન્સીને જાણવા મળ્યું કે તેણે અશ્લીલ કન્ટેન્ટ મોકલ્યું હતું. રિપોર્ટ અનુસાર, 22 વર્ષીય યુવકના પિતાએ કહ્યું કે તેઓ તેમના પુત્ર પરના ચુકાદા વિરુદ્ધ લાહોર હાઈકોર્ટમાં અપીલ દાખલ કરશે.
પાકિસ્તાનમાં નિંદાની સજા મૃત્યુ છે. બ્રિટિશ કાળ દરમિયાન નિંદા વિરુદ્ધ કાયદાઓ બનાવવામાં આવ્યા હતા અને 1980ના દાયકામાં પાકિસ્તાનની લશ્કરી સરકાર હેઠળ તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં એક મહિલા મોબલિંચિંગથી માંડમાંડ બચી, જાણો શું થયું?