ગુજરાત

અમદાવાદમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત, હેલમેટ પહેર્યું હોવા છતાં સ્ટૂડન્ટને બચાવી ન શકાઈ

Text To Speech

અમદાવાદના SG હાઈવે પર વધુ એકનો ભોગ લેવાયો છે. આજે વ્હેલી સવારે ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત નિપજ્યુ છે. ગણપતિ યુનિવર્સિટીની વિદ્યાર્થિની એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થિનીએ હેલમેટ પહેર્યું હોવા છતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

અમદાવાદના એસજી હાઈવે પર સોમવારે સવારે લગભગ 6.30 વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર નજીક થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. વિદ્યાર્થીએ હેલ્મેટ પણ પહેર્યું હોવા છતાં તેને બચાવી શકાઈ ન હતી.

આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ વધી રહ્યું હતું તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી. ત્યારે એવા પણ સવાલ ઊઠી રહ્યાં છે કે જો ડમ્પર બ્રિજની ઉપર સાઈડમાં ઉભુ હતું તો શા કારણે ઉભુ હતું, એ તપાસનો વિષય છે. જોકે, અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરાઈ છે.

Back to top button