ઉત્તર ગુજરાતગુજરાત

અંધશ્રધ્ધામાં ગળાડૂબ : ધાનેરાના ગોલા ગામનો કિસ્સો

પાલનપુર :બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજુપણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી રહ્યા છે. પરિણામે પાછળથી છેતરપિંડીના કિસ્સાઓ બને છે. આવો જ એક કિસ્સો ધાનેરાના ગોલા ગામમાં બન્યો છે.

પાંચ ભુવાઓએ કહ્યું દુઃખ દૂર કરવા એક કરોડ ખર્ચ કરવો પડશે

ધાનેરા અને થરાદ ના પાંચ ભુવાઓ ભેગા મળીને ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચની જાળમાં ફસાવી દીધા હતા. અને એક રૂપિયાથી એક કરોડનો ખર્ચ થશે, તેમ જણાવતા બંને ભાઈઓ પાસેથી રૂપિયા 35 લાખ લઈ લીધા હતા. જોકે બંને ભાઈઓ છેતરાયા હોવાનું ધ્યાને આવતા ભુવાઓએ કરેલી વિધિ વખતે ઉતારેલો વિડિયો પોલીસને આપવામાં આવ્યો છે. અને આરોપીઓને ઝડપી લેવા માટે તેમને પોલીસમાં અરજી પણ આપી છે.

82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે, ચેહરની બાધા રાખવી પડશે”

ધાનેરા તાલુકાના ગોલા ગામમાં ભુવાઓએ નવરાત્રીના સમયમાં આ પરિવારને એવું કહ્યું હતું કે, 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે. જેથી પરિવારે ચેહર માતાની બાધા રાખી તો થોડા મહિના સારું રહ્યું. જે બાદ ફરી ભુવાઓએ આવીને કહ્યું કે, હવે અમે જેમ કહ્યું તેમ કરવું પડશે, નહીં તો ફરી દુઃખ શરૂ થશે. દુઃખથી બચવા માટે રૂપિયા એક થી એક કરોડનો ખર્ચ થશે. આથી બંને ભાઈઓ ભુવાઓની વાતમાં ભોળવાઈ ગયા હતા. અને બંને ભાઈઓએ રૂપિયા 20 લાખ તેમજ રૂપિયા ૧૫ લાખ ઉછીના- પાછીના કરીને 35 લાખ રૂપિયા લાવીને 11 ડિસેમ્બરના રોજ વિધિમાં આપ્યા હતા. એટલું જ નહીં આ વિધિમાં રૂપિયા 1.70 લાખની કિંમતની ચાંદીની પાટો પણ આપી હતી.

બે ભાઈઓએ રૂ. 35 લાખ આપ્યા અને વિડીયો બનાવ્યો

જો કે પાછળથી બંને ભાઈઓએ આ ભુવાઓ અંધશ્રદ્ધાથી પીડાતા લોકોનો ફાયદો ઉઠાવીને પૈસા તેમજ ઘરેણા લઈ લેતા હોવાનું જાણ્યું હતું. જેથી ભુવાઓને આપેલા પૈસા પાછા લાવવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસ મથકમાં ગુનો નોંધી નોંધવા માટે અરજી આપી હતી. આ અરજીના આધારે ધાનેરા પોલીસ મથકના પીઆઇ એ. ટી. પટેલે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના સરહદી વિસ્તાર આવેલા ગામડાઓમાં માતાજીના ભુવાના નામે ભોળા અને અભણ લોકોને જાળમાં ફસાવીને રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે પોલીસે આવા બની બેઠેલા ભુવાઓને ઝડપી દાખલા રૂપ કાર્યવાહી કરવાની જરૂર છે. આ અંગે જાથા સંસ્થાનો સંપર્ક પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :સંસદ ભવનમાં PM મોદીનું શાનદાર સ્વાગત, સાંસદોએ લગાવ્યા ” સ્વાગત હૈ ભાઈ સ્વાગત હૈ” ના નારા

Back to top button