નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ મજબૂત ન્યાયિક વ્યવસ્થા એ વિકસિત ભારતનો મુખ્ય પાયો છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાગરિક-કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલો પણ શરૂ કરી હતી, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (ડિજિ એસસીઆર), ડિજિટલ કોર્ટ્સ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે.
The Supreme Court has strengthened India’s vibrant democracy. pic.twitter.com/hbxJ5pKKeh
— PMO India (@PMOIndia) January 28, 2024
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને ભારતની સર્વોચ્ચ અદાલત આજે 75માં વર્ષની શરૂઆત કરી રહી છે, ત્યારે ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા બે દિવસ અગાઉ ભારતના બંધારણને 75મા વર્ષમાં પ્રવેશ્યું હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય બંધારણના ઘડવૈયાઓએ સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય પર આધારિત સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું હતું અને સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંતોને જાળવવા સતત પ્રયાસ કર્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય, વ્યક્તિગત સ્વતંત્રતા હોય કે સામાજિક ન્યાય હોય, સર્વોચ્ચ અદાલતે ભારતની જીવંત લોકશાહીને મજબૂત કરી છે.” પ્રધાનમંત્રીએ વ્યક્તિગત અધિકારો અને વાણીસ્વાતંત્ર્ય પર સીમાચિહ્નરૂપ ચુકાદાઓની નોંધ લીધી હતી, જેણે દેશના સામાજિક-રાજકીય વાતાવરણને નવી દિશા આપી છે.
પીએમ મોદીએ સરકારની દરેક શાખા માટે આગામી 25 વર્ષ સુધીના લક્ષ્યોના માપદંડોને દોહરાવતા કહ્યું કે આજની આર્થિક નીતિઓ આવતીકાલના વાઇબ્રન્ટ ભારતનો આધાર બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે, “આજે જે કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે, તે ભારતના ઉજ્જવળ ભવિષ્યને મજબૂત બનાવશે.”
વૈશ્વિક ભૂ-રાજનીતિના બદલાતા પરિદ્રશ્ય વચ્ચે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વની નજર ભારત પર છે અને તેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેમણે આપણા માર્ગમાં આવતી તમામ તકોનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા દેશની ટોચની પ્રાથમિકતાઓમાં જીવનની સરળતા, વેપાર-વાણિજ્ય કરવાની સરળતા, પ્રવાસ, સંચાર અને ન્યાયની સરળતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “ન્યાયમાં સરળતા એ દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે અને ભારતની સર્વોચ્ચ અદાલત, તેનું માધ્યમ છે.”
एक सशक्त न्याय व्यवस्था, विकसित भारत का प्रमुख आधार है। pic.twitter.com/dHwrcybquV
— PMO India (@PMOIndia) January 28, 2024
દેશમાં સંપૂર્ણ ન્યાય વ્યવસ્થાનો વહીવટ અને માર્ગદર્શન ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા થાય છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ અતિ અંતરિયાળ વિસ્તારોમાં સર્વોચ્ચ અદાલતને સુલભ બનાવવાની દિશામાં સરકારની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો તથા ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને સ્વીકૃતિ આપવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે ત્રીજા તબક્કા માટે ભંડોળની ફાળવણીમાં બીજા તબક્કા કરતા ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી કે દેશની તમામ અદાલતોના ડિજિટાઇઝેશન પર ખુદ ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને તેમના પ્રયત્નો બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
અદાલતોનાં ભૌતિક માળખાગત સુવિધામાં સુધારો કરવા માટે સરકારની કટિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 પછી આ ઉદ્દેશ માટે રૂ. 7,000 કરોડથી વધારેનું વિતરણ થઈ ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટની વર્તમાન ઇમારતની સમસ્યાઓનો સ્વીકાર કરતા પીએમ મોદીએ ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગ કોમ્પ્લેક્સના વિસ્તરણ માટે 800 કરોડ રૂપિયાની મંજૂરી અંગે ઉપસ્થિત જનમેદનીને માહિતી આપી હતી.
આજે શરૂ કરવામાં આવેલી સર્વોચ્ચ અદાલતની ડિજિટલ પહેલો પર ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ ડિજિટલ સ્વરૂપે નિર્ણયોની ઉપલબ્ધતા અને સ્થાનિક ભાષામાં સર્વોચ્ચ અદાલતના નિર્ણયના અનુવાદના પ્રોજેક્ટની શરૂઆત પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દેશની અન્ય અદાલતોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાની આશા વ્યક્ત કરી હતી.
આજનો અવસર ઇઝ ઑફ જસ્ટિસમાં ટેકનોલોજી મદદરૂપ થવાનું ઉત્તમ ઉદાહરણ છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનું સંબોધન એઆઇની મદદથી રિયલ ટાઇમમાં અંગ્રેજીમાં અનુવાદિત થઈ રહ્યું છે અને તેને ભશિની એપ મારફતે પણ સાંભળી શકાય છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં કેટલાક મુદ્દાઓ ઉભા થઈ શકે છે પરંતુ તે તકનીકી ઉપયોગની ક્ષિતિજોને પણ વિસ્તૃત કરે છે. આપણી અદાલતોમાં પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ જ પ્રકારની ટેકનોલોજીનો અમલ સામાન્ય લોકોનાં જીવનને સરળ બનાવવા માટે થઈ શકે છે. લોકોને વધુ સારી રીતે સમજવા માટે સરળ ભાષામાં કાયદાઓનો મુસદ્દો તૈયાર કરવા માટેનાં પોતાનાં સૂચનોને યાદ કરીને શ્રી મોદીએ અદાલતનાં ચુકાદાઓ અને આદેશોનો મુસદ્દો તૈયાર કરવા સમાન અભિગમ સૂચવ્યો હતો.
આપણાં કાયદાકીય માળખામાં ભારતીય મૂલ્યો અને આધુનિકતાનાં હાર્દ પર ભાર મૂકીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણાં કાયદા માટે ભારતીય લોકાચાર અને સમકાલીન પદ્ધતિઓ એમ બંનેનું પ્રતિબિંબ પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ભારતીય મૂલ્યો અને આધુનિકતાનો સમન્વય આપણાં કાયદાકીય કાયદાઓમાં પણ એટલો જ આવશ્યક છે.” પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “સરકાર વર્તમાન પરિસ્થિતિ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે જોડાણ કરવા માટે કાયદાઓનું આધુનિકીકરણ કરવા સક્રિયપણે કામ કરી રહી છે.”
જૂઓ આખા કાર્યક્રમનો વીડિયો અહીં…
https://youtu.be/Jv2gK_ZnLTU
પ્રધાનમંત્રી મોદીએ જૂના વસાહતી ફોજદારી કાયદાઓ નાબૂદ કરવા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ જેવા નવા કાયદા રજૂ કરવા માટે સરકારની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ ફેરફારો મારફતે આપણી કાયદાકીય, પોલીસ વ્યવસ્થા અને તપાસ વ્યવસ્થાએ નવા યુગમાં પ્રવેશ કર્યો છે.” સદીઓ જૂના કાયદાઓમાંથી નવા કાયદાઓ તરફ સંક્રમણના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જૂના કાયદાઓમાંથી નવા કાયદાઓમાં સંક્રમણ અવિરત હોવું જોઈએ, જે આવશ્યક છે.” આ સંબંધમાં તેમણે સંક્રમણને સરળ બનાવવા સરકારી અધિકારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણની પહેલોની શરૂઆતની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ સુપ્રીમ કોર્ટને તમામ હિતધારકો માટે ક્ષમતા નિર્માણમાં પણ જોડાવા વિનંતી કરી.
આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડી. વાય. ચંદ્રચુડ, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ, સુપ્રીમ કોર્ટના જજ શ્રી અર્જુન રામ મેઘવાલ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ, ભારતના એટર્ની જનરલ આર વેંકટરામાણી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ આર વેંકટરામાણી, ડૉ. આદિશ સી અગ્રવાલ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ મન કી બાતઃ નવા વર્ષના પ્રથમ રેડિયો સંવાદમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું?