શેરબજારમાં જોરદાર કડાકો: સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારાનો રૂ.13 લાખ કરોડ ડૂબ્યા
મુંબઈ, 13 માર્ચ: શેરબજારમાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે. ખુલતાની સાથે જ શેરબજાર ક્રેશ થઈ ગયું હતું.આજે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બપોરે 2.30 વાગ્યે સેન્સેક્સ 1,046 પોઈન્ટ અથવા 1.42%ના ઘટાડા સાથે 72,621ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1.74% અથવા 388 પોઈન્ટ્સના ઘટાડા સાથે 21,947 પર ટ્રેડ કરી રહ્યો હતો.
નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 1730 પોઈન્ટ અથવા 3.61%નો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ નિફ્ટીનો સ્મૉલકેપ ઈન્ડેક્સ 676 પોઈન્ટ અથવા 4.50% ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય BSE સ્મૉલકેપ ઈન્ડેક્સ 1824 પોઈન્ટ અને મિડકેપ ઈન્ડેક્સ 1382 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ તીવ્ર ઘટાડાને કારણે બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું અને મોટી કંપનીઓના શેરમાં ભારે વેચાણ થયું છે.
બજાર કેમ તૂટ્યું?
તાજેતરમાં SEBI ચીફે મિડકેપ અને સ્મૉલ કેપ શેરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે SEBI ચાંપતી નજર રાખી રહી છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં હેરાફેરીના સંકેતો મળ્યા છે. એટલું જ નહીં, SMI IPOમાં પણ અનિયમિતતાના સંકેતો છે. SEBI ચીફે રોકાણકારોને આ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે. સેબીના આ નિવેદન બાદ બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું, જેની અસર આજે બજારમાં જોવા મળી છે. સ્મૉલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સની સાથે અન્ય ઈન્ડેક્સમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
લગભગ 13 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાથી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 12.67 લાખ કરોડ ઘટ્યું હતું. મતલબ કે થોડા જ કલાકોમાં રોકાણકારોને લગભગ 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અદાણીના શેરમાં ભારે ઘટાડો
અદાણીના શેર તૂટવાના કારણે, અદાણી જૂથના માર્કેટ કેપમાં રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી $100 અબજની ક્લબમાંથી બહાર થઈ ગયા હતા. બુધવારે, અદાણીના તમામ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાંથી અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી વધુ 9%નો ઘટાડો થયો હતો. આ સિવાય અદાણી ટોટલ ગેસ 7%, અદાણી એન્ટરપ્રાઇઝ 6%, અદાણી વિલ્મર 4%, અદાણી પોર્ટ 5%, અદાણી ગ્રીન સોલ્યુશન 4.5% અને અદાણી પાવર 5% ઘટ્યા હતા. શેરોમાં ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $99.9 બિલિયન થઈ ગઈ છે.
આ પણ વાંચો: અધધધ! સોનાનો ભાવ રૂ. 65,000ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો, ચાંદી પણ રૂ.900 મોંઘી