ગુજરાતમાં રાજકીય હલચલની “થિયરી” એ ફરી જોર પકડ્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજકીય સ્તરે કોઈ ફેરફાર થઈ શકે છે અથવા ભાજપના સંગઠનમાં કોઈ ફેરફાર થઈ શકે છે એવી “થિયરી” એ ફરી જોર પકડ્યું છે.
વાસ્તવમાં આવી ધારણા વહેતી થવાનું કારણ એ છે કે, ગયા અઠવાડિયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અગ્રણી નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા અને વિવિધ બેઠકનો દોર યોજાયો હતો અને હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી ગયા. અમિત શાહની આ મુલાકાત દરમિયાન સ્વાભાવિક રીતે સરકાર અને સંગઠનના અગ્રણીઓએ તેમની સાથે વિવિધ મુદ્દે વાતચીત કરી જ હશે. પરિણામે રાજ્યના રાજકારણમાં કંઇક નવાજૂની થવાની અટકળો શરૂ થઈ ગઈ છે.
અજાણ્યા સૂત્રોએ આપેલી માહિતીને આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે, કાંતો ગુજરાતના મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થશે અથવા ભાજપના સંગઠન સ્તરે ફેરફાર આવી શકે છે. આ અજાણ્યા સૂત્રો એવું પણ માને છે કે, જો આ બેમાંથી કશું નહીં થાય તો છેવટે બોર્ડ – નિગમોમાં ચેરમેનપદે નવી નિમણૂક અથવા ફેરફાર થઈ શકે છે.
રવિવારે પહેલા નોરતાના વિવિધ કાર્યક્રમ બાદ મોડીરાત્રે ગાંધીનગરમાં અમિત શાહની સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હોવાનું અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું સૂત્રો માને છે. સૂત્રોને એવું પણ લાગે છે કે, હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને આવી કંઈ નવાજૂની માટે આ સમય યોગ્ય હશે તેથી ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ ચાલી રહી છે.
જોકે, આ ધારણામાં આ વખતે મુખ્યમંત્રી બદલવાની ધારણા સૂત્રો દ્વારા થઈ રહી નથી એ આશ્ચર્ય છે. સામાન્ય રીતે રાજકીય નવાજૂનીની થિયરીમાં મુખ્યમંત્રી બદલાવાની સંભાવના મુખ્યત્વે વ્યક્ત થતી હોય છે. પરંતુ આ વખતે મંત્રી મંડળમાં ફેરફાર અથવા સંગઠનમાં ફેરફાર અથવા બોર્ડ – નિગમની નિમણૂકોની ધારણા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે