ગુજરાતની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો થાય ચુસ્ત અમલ, તમામ પોલીસ વડાઓને આદેશ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવેલી છે. આ વિધાનસભાની ચૂંટણી મુદ્દે રાજ્યના ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનર, તમામ રેન્જ વડા, તમામ પોલીસ અધિક્ષક તેમજ તમામ નોડલ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એક મીટીંગ કરી હતી. આ ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ વખતોવખતની સુચનાઓ/સ્પષ્ટતાઓને ધ્યાનમાં રાખી રાજયમાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અને અસરકારક અમલ થાય તે માટે વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ધ્યાને રાખીને રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુંટણી પ્રક્રિયા પુરી થાય તે માટે સરહદી જીલ્લાના પોલીસ અધિકારીઓ રેન્જ વડાઓએ નોડલ અધિકારી, આંતરરાજય સરહદના જીલ્લાઓના સંબંધિત અધિકારીઓ સાથે સંકલનમાં રહી ચુંટણી પ્રક્રિયા દરમ્યાન રાજયમાં દારૂ, હથિયારો, નશીલા પદાર્થો અને અસામાજીક તત્વોની ઘૂસણખોરી અટકાવવા માટે આંતરરાજય સરહદે તાત્કાલિક ચેક પોસ્ટો ઉભી કરી અસરકારક રીતે કાર્યરત કરવા અને આ ચેક પોસ્ટો ઉપર સુરક્ષાદળો દ્વારા સઘન ચેકીંગ કરવા સુચના આપવામાં આવી.
આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા દ્વારા શહેર જીલ્લાની સંવેદનશીલતાને ધ્યાને લઇ મતદાતાઓ ભયમુકત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે સ્થાનિક નામચીન ગુનેગારો/ગુનાહિત ભુતકાળ ધરાવતા શખ્સો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલાં લેવા તેમજ ભુતકાળમાં ચુંટણીલક્ષી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી નાસતા-ફરતા આરોપીઓને પકડવા અસરકારક ઝુંબેશ હાથ ધરવા તેમજ શહેર/જીલ્લા ખાતે નાસતા-ફરતા જાહેર કરેલ આરોપીઓને પકડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી, આ ડ્રાઈવમાં વધુમાં વધુ આરોપીઓ પકડાય તે માટે સંબંધિત શહેર/જીલ્લા અધિકારી સાથે સંકલન કરી અસરકારક કામગીરી કરવા તથા તમામ શહેર/જીલ્લા ખાતે સ્થાનિક ગુન્હા શોધક શાખા/સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ/પેરોલ-ફર્લો સ્કોડ/સ્થાનિક ડી-સ્ટાફ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી પેન્ડીંગ સમન્સ વોરંટની બજવણી જેમાં ખાસ કરીની બિન જામીનપાત્ર વોરંટની બજવણી અસરકારક રીતે થાય તે સુનિશ્ચિત કરવા સુચના આપવામાં આવી. જાણીતા ગુનેગારો, બુટલેગરો, જુગારીઓ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો વિરૂધ્ધ યોગ્ય અસરકારક અટકાયતી પગલાં લઇ રાજયમાં દારૂબંધીની નીતિનો કડક અમલ થાય તેમજ માદક પદાર્થોનું ઉત્પાદન હેરફેર વેચાણ સાથે સંકળાયેલ અસામાજીક તત્વોની પ્રવૃત્તિ અંકુશમાં લેવાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના આપી.આદર્શ આચાર સંહિતાના કડક અમલીકરણ માટે તમામ શહેર જીલ્લાના તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓને ચુંટણીલક્ષી તાલીમ આપવામાં આવેલ છે. તેમજ તમામ શહેર/જીલ્લા ખાતેના કાર્યરત કન્ટ્રોલ રૂમમાં તમામ સંવર્ગના અધિકારીઓને તેમજ ખાસ કરીને ડાયલ-100/વાયરલેસ સેટ ઉપર ફરજ બજાવતા અધિકારીઓને આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે માટે કામગીરીની એસ.ઓ.પી. તૈયાર કરી, યોગ્ય સુચના/માર્ગદર્શન આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા સુચના આપવામાં આવી.આમ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 મુકત અને ન્યાયી વાતાવરણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ડીજીપી દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને ચૂંટણી પંચની આદર્શ આચાર સંહિતાનો અમલ સુનિશ્ચિત કરવા ભાર પૂર્વક સુચના આપવામાં આવી.