દેશી દારૂની ભઠ્ઠી મામલે બોટાદ બાદ સુરત જિલ્લા પોલીસ સામે કડક કાર્યવાહી, PSI સહિત બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ


બોટાદ જિલ્લા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ હવે સુરત જિલ્લા પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ સુરતમાં આવેલા કીમ તાલુકામાં ગત રોજ અવાવરૂ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી મળી આવતાં પોલીસ ઉચ્ચાધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ દરમ્યાન રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન દ્વારા સમગ્ર પ્રકરણની પ્રારંભિક તપાસના આદેશ સાથે એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કઠોદરા ગામમાં કીમ નદીના કાંઠે અવાવરૂ સ્થળે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીને આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેને પગલે ઘટના સ્થળેથી દારૂ ગાળવા માટેના કેરબા, લાકડા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જો કે, ગામથી બે કિલોમીટર છેવાડે એકદમ અંતરિયાળ વિસ્તારમાં ધમધમતા આ દેશી દારૂના અડ્ડા પર પોલીસ પહોંચે તે પહેલા જ બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાદવ – કિચ્ચડ વચ્ચેથી પગપાળા ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ દ્વારા હાલ આ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લેવાની સાથે તાત્કાલિક અસરથી પીએસઆઈ પ્રકાશ પંડ્યા સહિત કોન્સ્ટેબલ અનિલ વસંતરાવ અને નિલેશ રામુભાઈને સસ્પેન્ડ કરવાનો આદેશ ફટકારવામાં આવ્યોછે. આ સિવાય દેશી દારૂની ભઠ્ઠી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યના બોટાદ વિસ્તારમાં કેમિકલયુક્ત દેશી દારૂ પીવાને કારણે 57 જેટલા નાગરિકોના મોત નિપજ્યા છે અને 70 જેટલા હજી પણ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત છે ત્યારે સમગ્ર રાજ્યમાં દેશી-વિદેશી દારૂના અડા પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કેવી રીતે ભર્યા પગલાં ?
કીમ નદીના કાંઠે બે કિલોમીટર દૂર એકદમ અવાવરૂ સ્થળે દેશી દારૂની ભઠ્ઠી મળી આવતાં પોલીસ ઉચ્ચાધિકારીઓ દ્વારા ભારે જહેમત બાદ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ પણ દેશી દારૂ ગાળવાનો માલ –સામાન જોઈને ચોંકી ઉઠ્યા હતા અને આ પ્રકરણને ગંભીરતાથી લેવાની સાથે જવાબદાર એવા પીએસઆઈ સહિત બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા ગણતરીના સમયમાં જ રિપોર્ટ રજુ કરવામાં આવતાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન દ્વારા જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની શેહ – શરમ રાખ્યા વિના સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતાં હવે જિલ્લાના પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.