‘સ્ત્રી 2’ ના કોરિયોગ્રાફર જાની માસ્ટર પર યૌન શોષણનો આરોપ, એફઆઈઆર દાખલ
મુંબઈ – 16 સપ્ટેમ્બર : પ્રખ્યાત કોરિયોગ્રાફર શેખ જાની બાશા, જેને ‘જાની માસ્ટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની વિરુદ્ધ હૈદરાબાદના રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી છે. 21 વર્ષની મહિલા કોરિયોગ્રાફરે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેણે ઘણી વખત તેનું યૌન શોષણ કર્યું હતું. જાની તાજેતરમાં જ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’માં ‘આય નયી’ ગીત કોરિયોગ્રાફ કરવા માટે ચર્ચામાં હતો.
ઝીરો એફઆઈઆર નોંધાઈ
રિપોર્ટ અનુસાર, ફરિયાદી મહિલા કોરિયોગ્રાફરે પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી અને કહ્યું કે તે છેલ્લા કેટલાક મહિનાઓથી જાની માસ્ટર સાથે મળીને કામ કરી રહી છે. આઉટડોર શૂટિંગ દરમિયાન માસ્ટરે તેની પર હુમલો કર્યો. મહિલાની ફરિયાદ બાદ ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી હતી અને હવે કેસ નરસિંગી પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
અહેવાલો અનુસાર, ‘જાની માસ્ટર’ પર બળાત્કાર, ગુનાહિત ધાકધમકી અને સ્વેચ્છાએ વ્યક્તિને નુકસાન પહોંચાડવા સહિત આઈપીસીની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેલંગાણાની મહિલા સુરક્ષા શાખાના મહાનિર્દેશક શિખા ગોયલે કડક તપાસ અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. જો કે, જાની માસ્ટરે હજુ સુધી આ આરોપો અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
જાની માસ્ટર કોરિયોગ્રાફર
જાની માસ્ટર મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કોરિયોગ્રાફર છે. તેણે કન્નડ સિનેમામાં ઘણા ગીતોની કોરિયોગ્રાફી પણ કરી છે. બોલિવૂડમાં તેણે ફિલ્મ ‘જય હો’ની ‘ફોટોકોપી’, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ટાઈટલ ટ્રેક, ‘આજ કી રાત’ અને ‘લાલ પીલી આંખિયા’ અને ‘સ્ત્રી 2’ની ‘આઈ નઈ’ કોરિયોગ્રાફ કર્યું છે.
આ પણ વાંચો : ગણપતિ બાપ્પા મોરિયામાં ‘ગહેરો ભાવ’, જાણો આ વાક્ય પાછળનું રોચક કારણ