રાજકોટમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત, વૃદ્ધને હડફેટે લઈ ઉલાળતા લેતા માથું ફાટી ગયું
રાજકોટ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. ગમે ત્યારે ગમે તેને ઢીંકે ચડાવી દેતાં ઢોરને કારણે ઘણીવાર લોકોનો જીવ પણ જાય છે. શહેરમાં આજે વધુ એક બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારના જીવંતિકાનગર મેઇન રોડ પર ગાયની અડફેટે આવી જતાં એક વૃધ્ધ રોડ પર ફેંકાઇ જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી અને રોડ પર લોહીના ખાબોચીયા ભરાયા હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ઈજાગ્રસ્ત મંદિરે દર્શન કરી પરત ઘરે આવતા હતા
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ ગોવિંદનગર-૩માં રહેતાં નાથાભાઇ મુળજીભાઇ વાડોલીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ આજે સવારે સાતેક વાગ્યે ઘરેથી ચાલીને જીવંતિકાનગર રોડ પર આવેલા કામસિધ્ધ હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યાં દર્શન ર્ક્યા બાદ ચાલીને ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં ગાયો બેઠી હોઇ તે વખતે કુતરાઓ ભસતાં ગાયો ભડકીને ભાગતાં નાથાભાઇ ઠોકરે આવી જતાં રોડ પર ફેંકાઇ જતાં માથામાં ફૂટ થઇ જતાં રોડ પર લોહીના ખાબોચીયા ભરાયા હતાં. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હોઇ તે પૈકીના કોઇ નાથાભાઇને ઓળખતા હોઇ તેમના ઘરે જાણ કરી હતી અને ૧૦૮ બોલાવી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
બે મહિના પહેલા એક વૃદ્ધ ઘાયલ થયા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ બે મહિના પહેલાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રાહદારી આર્મીમેન નવલસિંહ ઝાલાને નિહાળીને રખડતી ગાય ઉશ્કેરાઈ હતી અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો. આ બનાવમાં એક બાળકને પણ ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આર્મીમેન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.