આ તે કેવી કરુણતા ! બાળક દુનિયામાં આવે તે પહેલાં જ રખડતાં ઢોરે લીધો ભોગ
રખડતાં ઢોરના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. જેના પર હાઈકોર્ટની ટકોર બાદ પણ રાજ્યમાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં રખડતા ઢોરના કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં રખડતા ઢોરે એક જીવનો ભોગ લેવાયો છે. વડોદરામાં ગાયે સગર્ભા મહિલાને અડફેટે લેતાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું છે. શિશુ દુનિયામાં આવે તે પહેલા જ તેણે દમ તોડ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરામાં મનિષા નામંક સ્થાનિક મહિલાને રખડતાં ઢોરે અડફેટમાં લેતાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું છે. મહિલાને ઢોરે અડફેટ દરમિયાન પેટ, પેઢા અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.જ્યાં તબીબોએ તપાસ કરતાં બાળકનું ગર્ભમાં જ મોત થયાનું જણાવતાં સગર્ભાના પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટના વડોદરાના સલાટવાડા વિસ્તારમાં બની હતી. રખડતી ગાય નાની બાળકીને મારતી હતી ત્યારે બાળકીને બચાવવા જતા ગર્ભવતી મહિલાને ગાયે ફંગોળી હતી. જેથી મહિલા ઈજાગ્રસ્ત બની હતી. ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ગર્ભવતી મહિલાને ગુપ્તાંગના ભાગમાં વાગવાથી ગર્ભમાં રહેલ શિશુનું મૃત્યુ નિપજ્યું હતું. તો બીજી તરફ, પરિવાર ડરી જતા પોલીસ ફરિયાદ કરવાનીના પાડી. પરંતુ સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે.
વારંવાર આ પ્રકારની ઘટનાને લઈ વડોદરા કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ રાજ્ય સરકારે રખડતાં ઢોરના નિરાકરણ માટે પણ જરૂરી પગલાં ભરવા જોઇએ.