જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ઢોરે વૃદ્ધાને શિંગડે ભેરવી ઉછાળી રોડ પર પટકતા મૃત્યુ


જામનગર. 9 ફેબ્રુઆરી: 2025: રખડતા ઢોરની સમસ્યા શેરી વિસ્તારોમાં તો યથાવત છે ત્યારે દરેડ નજીક ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર હરિયા સ્કૂલ વિસ્તારમાં રખડતા ઢોરે એક વૃદ્ધાને શિંગડે ભેરવી રોડ પર પછાડ્યાં હતા. જેથી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જોકે, સારવારમાં મહિલાનું મૃત્યુ થયું છે.
જામનગરમાં કલ્યાણી એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય શોભનાબેન જેવરસિંહ સોલંકી 6 ફેબ્રુઆરીના સાંજે હરિયા સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રખડતા ઢોરે તેમના પર હુમલો કર્યો હતો. રખડતા ઢોરે મહિલાને શિંગડે ભેરવી રોડ પર પટકી દીધા હતા. આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે, બીજા દિવસે શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સામે આવ્યા છે. જામનગર શહેરમાં રખડતા ઢોરના કારણે આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્રોશ છે કે, મ્યુનિસિપલ તંત્ર આ સમસ્યા પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.
આ પણ વાંચો….અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું સોનું ઝડપાયું, વિદેશથી આવેલા મુસાફરો આ રીતે પકડાયા