રુરકીથી રશિયા- રામેશ્વર સિંહની રંગીન રિયાલિટીઃ અભ્યાસ, પ્રેમ અને રાજકારણ
મૉસ્કો (રશિયા), 17 માર્ચ: વિદેશમાં ભારતીયોનો સ્થાયી થવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. ત્યાં વસતા ભારતીય હવે જે-તે દેશના રાજકારણમાં પ્રવેશી રહ્યા છે. જેમાં કેનેડા, અમેરિકા, યુકે જેવા દેશોમાં વસતા ભારતીયોએ રાજકારણમાં ઝંપલાવીને ખૂબ નામ કમાવ્યું છે. હવે રશિયા પણ તેમાંથી બાકાત નથી. ઉત્તર પ્રદેશના રામેશ્વર સિંહ રશિયામાં સેટલ થઈને ત્યાનાં રાજકારણમાં સામેલ થયા છે. જો કે, રશિયન નાગરિકતા મેળવીને ત્યાં સ્થાયી થયાં સુધીની તેમની કહાની ખૂબ રોચક છે… તો ચાલો જાણીએ તેમની કહાની વિશે….
રામેશ્વર સિંહ એક રશિયન યુવતીના પ્રેમમાં પડ્યા હતા
રામેશ્વર સિંહે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, હું અભ્યાસ માટે સાલ 1982માં ભારતથી રશિયા આવ્યો. આ સમયે મને એક રશિયન યુવતી ખૂબ ગમી હતી અને હું તેના પ્રેમમાં પડ્યો. આ યુવતી સાથે લગ્ન કરીને હું કાયમ માટે અહીં સ્થાયી થઈ ગયો. જો કે, રશિયાની નાગરિકતા મેળવવી ખૂબ જ અઘરી છે. પરંતુ 2000ની આસપાસ મેં રશિયન નાગરિકતા મેળવી. રશિયાથી પીએચડી કર્યા પછી મને ભારતમાં નોકરી મળી શકી હોત. પરંતુ, મેં અહીં જ સ્થાયી થવાનું નક્કી કર્યું. અને ત્યારબાદ રશિયાના રાજકારણમાં સક્રિય થયો.
90% લોકોને પ્રમુખ પુતિનમાં વિશ્વાસ છે: રામેશ્વર સિંહ
રશિયા-યુક્રેન યુદ્ધ પર રામેશ્વર સિંહ કહ્યું કે, દરેક રશિયન સરકાર પાસેથી શાંતિ, સારી અર્થવ્યવસ્થા અને સમૃદ્ધિની અપેક્ષા રાખે છે. પરંતુ કેટલીક બાબતો એવી છે કે પોતાને બચાવવા માટે યુદ્ધ જરૂરી હતું. આ ઑપરેશન રશિયન લોકોને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તમે રશિયાના મોટા શહેરો પર તેની અસર જોશો નહીં. 90% લોકોને પ્રમુખ વ્લાદિમીર પુતિનમાં વિશ્વાસ છે. મહત્ત્વનું છે કે, રશિયામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે.
રશિયામાં વધતી મોંઘવારી પર તેમણે કહ્યું કે અહીં કોઈ મોંઘવારી નથી. મોંઘવારી પ્રમાણે લોકોનો પગાર વધી રહ્યો છે. રોજ વપરાતી વસ્તુઓ સસ્તી છે. અહીં લોકો હવે ડૉલર નહીં પણ રુબેલ્સ જુએ છે. રશિયન ટુરિઝમ અંગે તેમણે કહ્યું કે યુદ્ધ બાદથી અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. લોકો અહીં આવી રહ્યા છે. કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
આ પણ વાંચો: રશિયામાં પ્રમુખની ચૂંટણી માટે મતદાન, પુતિન પાંચમી વખત આવી શકે છે સત્તા પર