અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.
વિફરેલી ગાયે મહેસાણા માથે લીધું
રાજ્યભરમાં રખડતાં ઢોરોની સમસ્યા વકરી રહી છે. ત્યારે મહેસાણાની સ્થિતિ કંઇક વધુ જ વકરી રહી છે. રવિવારે સમી સાંજે મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સાહિલ ટાઉનશીપ -માં તોફાને ચડેલી ગાયે આતંક મચાવ્યો હતો. સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે, એક યુવક પાછળ પડેલી ગાયથી જીવ બચાવવા ભાગ્યો હતો, પરંતું ગાય તેનો પીછો છોડવા તૈયાર નહોતી. જેમાં ભાગતો ભાગતો યુવક એક ખુલ્લા ચોકમાં પહોંચ્યો ગાયો પાછળી શિંગડે ચડાવીને ભોયભેગો કરી નાખ્યો હતો અને પગથી લાતો મારી હતી. સતત એક મિનિટ સુધી યુવકના શરીરને ખુદતી રહી હતી. એટલું જ નહિ શહેરના શોભાસણ રોડ પરની સાહિલ ટાઉનશીપ નજીક એક ગાયે દોડાવી દોડાવીને યુવકોને શિંગડે ચડાવ્યા હતા. જેમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે એકને તો ગાયે એટલો બધો રગદોળી નાખ્યો છે કે, તેની સ્થિતિ વધું ગંભીર છે.
ભીંતચિત્રોનો વિવાદ શમ્યો નથી ત્યાં બીજો વિવાદ
હજુ તો સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોને લઈ વિવાદ સમ્યો નથી ત્યાં વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા નાથ સંપ્રદાયના સંત ગેબીનાથજીની અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર નાથ સંપ્રદાયમાં રોજ ભભુકી ઉઠ્યો છે ત્યારે આજે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષ નાથ આશ્રમ ના મહંત શેરનાથ બાપુ દ્વારા વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપ પર કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી.જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં આવેલા ગૌરક્ષ નાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે સાળંગપુરમાં હનુમાનજીનું જે ચિત્ર દર્શાવવામાં આવ્યું તેવી જ રીતે વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપ દ્વારા નાથ સંપ્રદાયના સંત અને સિદ્ધપુરુષ એવા ગેબીનાથજી ને અસુર કહી સ્વામી બ્રહ્મસ્વરૂપ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. અને આ સ્વામીજી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને શિંગડા હતા કાન પટ્ટા હતા અને કાનમાં કડીઓ નાખેલી છે અને આ અસુરો અહીં આવ્યા છે આવી અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર નાથ સંપ્રદાયના મંતવ્ય પ્રમાણે આજરોજ ગૌરક્ષ નાથ આશ્રમ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં પોલીસને આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી છે અને નાથ સંપ્રદાયની અભદ્ર ટિપ્પણી કોઈપણ સંજોગે સહન નહીં કરી શકીએ આના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલ છે.
સુરત ST વિભાગ દ્વારા સાતમ આઠમે એક્સ્ટ્રા બસો મૂકાશે
આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને સુરત એસ.ટી.નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે મુસાફરોની અવર-જવરને ધ્યાનમાં રાખી, મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે વિભાગીય નિયામક પીવી ગર્જરે જણાવ્યું કે, સાતમ-આઠમ જેવા તહેવારોમાં અનેક લોકો મુસાફરી કરતાં હોય છે. ત્યારે તેઓને અગવડતા ન પડે તે માટે આગામી 6 અને 7 સપ્ટેમ્બર સાતમ-આઠમના રોજ એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ તો 50થી 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. જોકે, મુસાફરોની ઘસારો જોવા મળશે તો વધુ બસો મૂકવામાં આવશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનથી એક દુઃખદ સમાચાર
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ISROના વૈજ્ઞાનિક વલારમથીનું અવસાન થયું છે. વાત જાણે એમ છે કે, હ્રદય બંધ થવાને કારણે તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં વલારમથીએ જ પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું છેલ્લું કાઉન્ટડાઉન તાજેતરમાં આપવામાં આવ્યું હતું જ્યારે દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મોટી દુર્ઘટના
ઉત્તર પ્રદેશના બારાબંકીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. વિગતો મુજબ, બારાબંકીના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જેની જિલ્લા હોસ્પિટલના CMS દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 4 માળનું કોંક્રીટનું મકાન ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 10 ઈજાગ્રસ્તને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે.આ તરફ ઘટનાસ્થળે પહોંચેલા SPદિનેશ સિંહે કહ્યું કે, આ ઘટનામાં 16 લોકો દટાયા છે. આ તરફ 12 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે તો 4 હજુ પણ ફસાયેલા છે. જેને લઈ હાલ SDRFની ટીમ આવી પહોંચી છે. એનડીઆરએફને પણ બોલાવવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
શિક્ષણ વિભાગે બહાર પાડી છે જ્ઞાન સહાયકની ભરતી
રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં ઠરાવ બહાર પાડીને રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા પર નિયમિત ભરતી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તે માટે જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા પર જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. મહત્વનું છે, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક બનવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં 26 ઓગસ્ટથી ફોર્મ ભરાવાના શરૂ થયા હતા. આજે 4 ઓગસ્ટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.