કેનેડામાં ખાલિસ્તાની આતંક રોકોઃ જાણો કયા દેશમાં મોટી સંખ્યામાં હિન્દુઓએ કર્યું પ્રદર્શન?

સિલિકોન વેલી, 25 નવેમ્બર, 2024: કેનેડામાં ખાલિસ્તાનીઓનો આતંક અટકાવવાની માગણી સાથે મોટી સંખ્યામાં હિન્દુ અને સિખ સમુદાયના લોકોએ અમેરિકામાં દેખાવો કર્યા હતા. Indian Americans in Silicon Valley rally over violence against Hindus વિવિધ હિન્દુ સંગઠનોના નેજા હેઠળ એકત્ર થયેલા ભારતીય અમેરિકનોએ આ મામલામાં અમેરિકાને હસ્તક્ષેપ કરવા પણ રજૂઆત કરી હતી.
અમેરિકામાં સિલિકોન વેલી ક્ષેત્રમાં મિલપિટાસ સિટી હૉલમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો એકત્ર થયા હતા અને કેનેડા તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા હુમલા સામે નારાજગી વ્યક્ત કરીને જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી.
સિટી હૉલમાં એકત્ર થયેલા ભારતીય સમુદાયને સંબોધિત કરતા હિન્દુ અગ્રણીઓએ કેનેડા અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે સૌને વાકેફ કર્યા હતા. ભારતીય સમુદાયે કેનેડા અને બાંગ્લાદેશમાં માનવ અધિકારના ઉલ્લંઘન અંગે આકરું વલણ લેવા અમેરિકાની સરકારને અપીલ કરી હતી. સભા દરમિયાન ભારતીય સમુદાયના લોકોએ “ખાલિસ્તાની આતંકવાદ રોકો, કેનેડાના હિન્દુઓનું રક્ષણ કરો” તથા “ઇસ્લામી આતંકવાદ અટકાવો, બાંગ્લાદેશના હિન્દુઓનું રક્ષણ કરો” જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને કેનેડા તેમજ બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા.
આ અંગે જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ સભાના મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉપર કરવામાં આવેલા હુમલા અંગે ભારતીય અમેરિકનોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આપણે જોયું હતું કે ખાલિસ્તાની આતંકીઓ મંદિર પરિસરમાં ઘૂસી ગયા હતા અને ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુ પુરુષો, મહિલાઓ તેમજ બાળકો સાથે પણ મારપીટ કરી હતી. ખાલિસ્તાનીઓના આવા આતંકી હુમલાથી દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવવા એકત્ર થયેલા હિન્દુઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વધારે ખરાબ સ્થિતિ તો એ હતી કે, કેનેડિયન પોલીસ પહેલેથી ખાલિસ્તાનીઓ સાથે ભળેલી જણાતી હતી અને ખાલિસ્તાનીઓને રોકવાને બદલે ભોગ બનેલા હિન્દુને પોલીસે પણ નિશાન બનાવ્યા હતા.
સિલિકોન વેલીમાં એકત્ર થયેલા ભારતીય અમેરિકનોએ જણાવ્યું કે, કેનેડામાં અભિવ્યક્તિ સ્વતંત્રતાના નામે ખાલિસ્તાનીઓની હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર હિન્દુઓના માનવ અધિકારનું રક્ષણ કરશે એવો વિશ્વાસ હવે રહ્યો નથી.
આ પણ વાંચોઃ બંધારણના આમુખમાંથી ‘સમાજવાદ’ અને ‘સેક્યુલર’ શબ્દો નહીં હટેઃ સુપ્રીમ કોર્ટે તમામ PIL ફગાવી