નેશનલ

મૈસૂર-ચેન્નઈ વચ્ચે દોડતી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, રેલવે વિભાગે શરૂ કરી તપાસ

Text To Speech

મૈસૂર-ચેન્નઈ વચ્ચે દોડતી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન પર બેંગ્લોર નજીક શનિવારે પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં ટ્રેનની બારીઓના કાંચ તૂટી ગયા હતા અને તેને નુકસાન થયું હતું. આ ઘટના કૃષ્ણરાજપુર અને બેંગ્લુરુ કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કોઈ જાનહાનિ ન થઇ

મળતી માહિતી મુજબ પથ્થરમારાની ઘટનામાં કોઈ યાત્રીને નુકસાન થયું નથી. આ મામલે રેલવે પોલીસે ટ્રેન પર પથ્થરમારો કરવાનો કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ કોઈની ધરપકડ કરાઈ નથી. દરમિયાન દક્ષિણ પશ્ચિમ રેલવે બેંગ્લુરુ ડિવિઝને જણાવ્યું કે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં રેલવેમાં સુરક્ષાદળોએ પથ્થરમારાના કુલ 21 કેસ નોંધ્યા હતા. આ પ્રકારના 13 કેસ ફેબ્રુઆરીમાં ડિવિઝનમાં નોંધાયા હતા. બે અઠવાડિયા પહેલા સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો.

પીએમ મોદીએ શરૂ કરાવી હતી વંદે ભારત ટ્રેન

અગાઉ પણ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ પ.બંગાળના માલદામાં હાવડા જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટના 2 જાન્યુઆરીએ બની હતી અને તેના પછી 3 જાન્યુઆરીએ દાર્જિલિંગથી વંદે ભારત પર પથ્થરમારો કરાયાની માહિતી સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પીએમ મોદીએ 11 નવેમ્બરે સેમી હાઈટેક ટ્રેન મૈસૂર-ચેન્નઈ વંદે ભારતને લીલીઝંડી બતાવી હતી.

Back to top button