- પથ્થરમારાને કારણે એક કોચની બારીના કાચ તૂટ્યા
- વિશાખાપટ્ટનમથી જનારી ટ્રેનને રીશેડ્યુલ કરાઈ
- અગાઉ પથ્થરમારાની ઘટનામાં ત્રણની કરાઈ હતી ધરપકડ
વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ માહિતી એક સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવી હતી. પથ્થરમારાને કારણે એક કોચની બારીના કાચ તૂટ્યા હતા.
ત્રણ મહિનામાં ત્રીજી ઘટના આવી સામે
તમને જણાવી દઈએ કે, આ પહેલી ઘટના નથી. વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ પર છેલ્લા ત્રણ મહિનામાં ત્રીજી વખત પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. આજે બદમાશો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે C-8 કોચની બારીના કાચ તૂટી ગયા હતા. આ કારણે વિશાખાપટ્ટનમથી જનારી વંદે ભારત એક્સપ્રેસ 05:45ના નિર્ધારિત પ્રસ્થાનને બદલે 09:45 વાગ્યે રીશેડ્યુલ કરવામાં આવી હતી.
અગાઉ ત્રણ યુવકોની કરાઈ હતી ધરપકડ
આ પહેલા જાન્યુઆરીમાં મેન્ટેનન્સ દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી. ડીઆરએમના જણાવ્યા અનુસાર, વિશાખાપટ્ટનમના કાંચરાપાલમ પાસે વંદે ભારત એક્સપ્રેસના કોચની વિન્ડશિલ્ડને નુકસાન થયું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર અનૂપ કુમાર સતપથીએ કહ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કેટલાક શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી છે. આરપીએફ તેમના પર નજર રાખી રહ્યું છે. સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાંચારાપાલમ ખાતે કોચ કોમ્પ્લેક્સ પાસે રમતા કેટલાક યુવાનોએ તોફાની રીતે ટ્રેનના કોચ પર પથ્થરમારો કર્યો હતો, જેનાથી તેની બારીના કાચ તોડી નાખ્યા હતા. વિશાખાપટ્ટનમ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ વિસ્તારમાંથી ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.