અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં પથ્થરમારાની ઘટનામાં ભાજપની ફરિયાદ, કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ

અમદાવાદ, 03 જુલાઈ 2024, ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. આ અંગે પોલીસ અને ભાજપે કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવી છે. પથ્થરમારાની આ ઘટનામાં ઘાયલ થયેલા પાલડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કર્મરાજસિંહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જ્યારે ભાજપના અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ વિનય દેસાઈએ પણ પોલીસ ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ કરી નથી. કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશના નેતાઓની બેઠક પણ મળી હતી. આ બેઠક બાદ નેતાઓ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.બીજી તરફ FSLની ટીમ પણ કોંગ્રેસ ઓફિસ પહોંચી હતી અને પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.

કોંગ્રેસ કાર્યાલય પર FSL અને પોલીસની ટીમની તપાસ
કોંગ્રેસ ઓફિસ બહાર હાલ કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓની લીગલ ટીમ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં અમિત ચાવડા, શૈલેષ પરમાર, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જીગ્નેશ મેવાણી અને હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાનૂની લડત અને પોલીસની કાર્યવાહી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ હિંમતસિંહ પટેલ અને અન્ય નેતાઓ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય પર FSL અને પોલીસની ટીમ પણ પહોંચી હતી. ગઈકાલે બનેલી પથ્થરમારાની ઘટના અંગે FSL દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. આ બનાવના સ્થળે અને કોંગ્રેસ કાર્યાલય બહાર બંને સ્થળો પર તપાસ કરવામાં આવી હતી.

એક બીજેપી તરફથી બીજી પોલીસની ફરિયાદ
ગઈકાલે બનેલી પથ્થરમારાની ઘટના અંગે પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરી છે. એલિસબ્રિજ પોલીસે હર્ષ પરમાર, વિમલ પંસારા, મનીષ ઠાકોર, સંજય બારોટ અને મુકેશ દાતનીયાની ધરપકડ કરી છે. હજુ નામજોગ કરવામાં આવેલી ફરિયાદના 21 આરોપીઓ ફરાર છે. જેમની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા મોબાઈલ વીડિયો અને CCTV ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવશે. ઝોન-7 DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે, ગઈકાલે પથ્થરમારો થયો હતો તેમાં બે ફરિયાદ નોંધાઇ છે. એક બીજેપી તરફથી બીજી પોલીસની ફરિયાદ છે. જેમા 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી છે. 4-5 પોલીસકર્મી ઘાયલ થયા છે. કોંગ્રેસે કોઈ ફરિયાદ આપી નથી. કોંગ્રેસ ફરિયાદ કરશે તો તે પણ નોધવામાં આવશે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ કોંગ્રેસે પથ્થરમારો કર્યો,પોલીસનો લાઠીચાર્જ

Back to top button