શેરબજારમાં તેજી પરત ફરી, સેન્સેક્સ 450થી વધુ પોઇન્ટ ઉછળ્યો, બેન્કિંગ શેરોમાં ઘટાડો યથાવત
મુંબઈ, 26 જુલાઈ : સ્થાનિક શેરબજારની શરૂઆત આજે તેજી સાથે થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની પાછળ આઈટી શેરમાં ઉછાળાનો ટેકો છે. ગઈકાલે બૅન્કિંગ શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આજે પણ ચાલુ છે અને તેઓ બજારને ઊંચાઈ હાંસલ કરતા અટકાવી રહ્યા છે.
સવારે શેરબજારની શરૂઆત કેવી રહી?
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, BSE સેન્સેક્સ 118.70 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 80,158 પર ખુલ્યો હતો. જયારે NSE નો નિફ્ટી 17.25 પોઈન્ટ અથવા 0.071 ટકાના વધારા સાથે 24,423 પર ખુલ્યો હતો. જો કે સવારે 10:20 કલાકે સેન્સેક્સ 480 પોઇન્ટ ઉછળ્યો હતો અને 80519ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો જયારે નિફ્ટી પણ 173 પોઇન્ટના ઉછાળા સાથે 24579ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો.
બેન્કિંગ શેરમાં ઘટાડો યથાવત
ગઈકાલે પણ બેંક નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આજે પણ ચાલુ છે. બેન્ક નિફ્ટી 169.75 પોઈન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 50,719 પર છે. તેના 12 શેરમાંથી 6 વધી રહ્યા છે અને 6 ઘટી રહ્યા છે. ફેડરલ બેંકમાં સૌથી વધુ 3.56 ટકા અને IDFC ફર્સ્ટ બેંકમાં 1.71 ટકાનો ઘટાડો થયો છે. HDFC બેન્ક, ICICI બેન્ક અને એક્સિસ બેન્કના શેરમાં નબળાઈ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : પાકિસ્તાની ક્રિકેટરે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને કરી વિનંતી, કહ્યું: અમે સારા લોકો છીએ…
સેન્સેક્સ શેરનું અપડેટ
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરોમાં તેજી અને 10 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં ટોપ ગેનર ભારતી એરટેલ છે અને તે 2.25 ટકા ઉપર છે. ટાટા સ્ટીલ આજે પણ ઉપર છે અને 1.97 ટકાનો વધારો દર્શાવે છે. આ સિવાય ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, એચસીએલ ટેક, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, પાવરગ્રીડ, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ જેવા શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.
BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન
BSE પર લિસ્ટેડ કંપનીઓના શેરોનું માર્કેટ કેપ રૂ. 453.15 લાખ કરોડ થયું છે. અમેરિકન ચલણમાં તે 5.41 ટ્રિલિયન યુએસ ડોલર છે. BSE પર 3191 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 2326 શેર વધી રહ્યા છે. 766 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 99 શેર કોઈ ફેરફાર સાથે સ્થિર દેખાઈ રહ્યા છે. 162 શેરમાં અપર સર્કિટ અને 34 શેરમાં નીચલી સર્કિટ જોવા મળી છે. 171 શેર એક વર્ષની ઊંચી સપાટીએ છે જ્યારે 11 શેર સમાન સમયગાળામાં તેમની સૌથી નીચી સપાટીએ છે.
આ પણ વાંચો : ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ