સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો, પણ ડોલર સામે રુપિયો મજબૂત થયો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. સેન્સેક્સની શરૂઆત લગભગ 30 પોઈન્ટ ઘટીને 61,765 પોઈન્ટ પર થઈ હતી. બીજી તરફ નિફ્ટી 26 પોઈન્ટ વધીને 18,376 પોઈન્ટ પર ખુલ્યો હતો. સવારે 9.31 વાગ્યે સેન્સેક્સ 66.89 પોઈન્ટના વધારા સાથે 61,861.93 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો જયારે નિફ્ટી 36.45 પોઈન્ટના વધારા સાથે 18,386.15 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ડોલર સામે રૂપિયો મજબૂત
આ દરમિયાન, રૂપિયાએ પણ મજબૂતી બતાવી અને તે હાલમાં 80.79 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જે ડોલર સામે મજબૂતાઈ મેળવી રહ્યો છે. ડોલર સામે રૂપિયો 28 પૈસાના ઉછાળા સાથે 80.52 પર ખુલ્યો હતો. તમને જણાવી દઈએ કે યુએસ ડોલર ઇન્ડેક્સ 12 સપ્તાહના નીચલા સ્તર 106.41 પર આવી ગયો છે. વાર્ષિક ધોરણે, અમેરિકામાં મોંઘવારીનો આંકડો 9 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગત 10 નવેમ્બરે ભારતીય રૂપિયો ડોલર સામે 81.92 પર પહોંચી ગયો હતો. બીજી તરફ, આજે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 25 પૈસા ઉછળીને 80.52 પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો :- ટિકિટ કપાતા નારાજ કાંધલ જાડેજાનું NCP માંથી રાજીનામું, ચર્ચાસ્પદ બેઠક કુતિયાણામાં ભારે વિરોધ
આ શેરોમાં મજબૂતી જોવા મળી હતી
સોમવારના ટ્રેડિંગ સેશનમાં LICના શેરમાં આઠ ટકાનો વધારો થયો હતો, જ્યારે ઓરોબિંદો ફાર્માના શેરમાં પાંચ ટકાનો ઘટાડો થયો હતો. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, અપોલો હોસ્પિટલ્સ, પાવરગ્રીડ અને ટાટા મોટર્સ જેવા શેરોમાં વધારો નોંધાયો છે જ્યારે ડૉ. રેડ્ડીઝ, ડિવી લેબ્સ, સન ફાર્મા, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.