શેરબજારનો યુ-ટર્ન: સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર ઉછાળા સાથે બંધ
HD ન્યૂઝ ડેસ્ક, 5 જૂન, શેરબજારમાં ગઇકાલે મંગળવારે આવેલા મોટા ઘટાડા બાદ બુધવારે ફરી એકવાર બજાર રિકવરી મોડમાં જોવા મળ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. બીએસઈ સેન્સેક્સના 30 શેરની વાત કરીએ તો બધા ગ્રીન ઝોનમાં બંધ થયા છે. રોકાણકારોને રાજકીય સ્થિરતા અને સાતત્યમાં વિશ્વાસ અપાવતા બે મુખ્ય સાથીઓએ ભાજપ સાથે નવી સરકાર બનાવવાનું વચન આપ્યું હોવાથી ઉતાર-ચઢાવ આવ્યા હતા.
લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં આવેલા ભૂકંપ બાદ ફરી એકવાર રિકવરી જોવા મળી છે. સેન્સેક્સમાં 2300થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો જ્યારે નિફ્ટીએ પણ 600 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 74,382.24 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આગલા દિવસની સરખામણીએ સેન્સેક્સમાં 2303 પોઈન્ટ અથવા 3.20%નો વધારો નોંધાયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 74,534.82 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નિફ્ટીની વાત કરીએ તો તે 22,620 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તે એક દિવસ અગાઉની સરખામણીમાં 735 પોઈન્ટ અથવા 3.36% નો વધારો નોંધાવ્યો હતો. નિફ્ટીની ટ્રેડિંગ હાઈ રૂ. 22,670 છે.
કયા સ્ટોકની શું હાલત છે?
ટ્રેડિંગ દરમિયાન ઇન્ડસઇન્ડ બેન્કના શેર લગભગ 8 ટકા વધ્યા હતા. ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 6 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એચયુએલના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સન ફાર્મા, જેએસડબલ્યુ, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક, વિપ્રો, મારુતિના શેર 3 ટકાથી વધુ વધીને બંધ થયા છે. એચસીએલ, એરટેલ, એનટીપીસી, ટાટા મોટર્સ અને બજાજ ફિનસર્વના શેરમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો..ચૂંટણી પરિણામો બાદ શેરબજાર ફરી ઊભું થયું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો