એક્ઝિટ પોલના કારણે શેરબજારમાં ઉછાળો! સેન્સેક્સ 2500 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો, નિફ્ટી 23,300ને પાર
- મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ લગભગ 4 ટકાના વધારા સાથે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા
નવી દિલ્હી, 3 જૂન: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા, સરકારની રચનાની આગાહી કરતા એક્ઝિટ પોલ સાથે સ્થાનિક શેરબજાર આજે સોમવારે ધમાકા સાથે ખુલ્યું છે. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 2595 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 2594.53 પોઈન્ટના મજબૂત વધારા સાથે ખુલ્યો હતો અને 7655.84ના સ્તરે શાનદાર રીતે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 788.85 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 23319.55ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. વ્યાપક સૂચકાંકો હકારાત્મક રીતે ખુલ્યા હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 1905.90 પોઈન્ટ અથવા 3.89% વધીને 50,889.85 પર ખુલ્યો હતો.
ક્યા-ક્યા શેરોમાં હલચલ જોવા મળી?
અદાણી પોર્ટ્સ એન્ડ SEZ, અદાણી એન્ટરપ્રાઇઝ, શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ કોર્ડ અને NTPC નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટી 50 ઇન્ડેક્સ પર મહત્તમ લાભ સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પર આઇશર મોટર્સ એકમાત્ર પાછળ રહ્યો હતો. 1 જૂનના રોજ, મોટાભાગના એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળની NDA 2024ની લોકસભા ચૂંટણીમાં 543માંથી 350થી વધુ બેઠકો જીતી શકે છે. રોકાણકારોએ વિવિધ ક્ષેત્રોમાં ભારે ખરીદી કરી હતી, મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ લગભગ 4 ટકાના વધારા સાથે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા.
કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો
આ દરમિયાન, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 11.1 લાખ કરોડ વધીને રૂ. 423.21 લાખ કરોડ થઈ હતી. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂન મંગળવારના રોજ આવવાના છે. આ પહેલા માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ ઘણો મજબૂત દેખાય છે. ઉલ્લેખનીય છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 31 મેના રોજ રૂ. 1,613.24 કરોડની ભારતીય ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ મહિનાના છેલ્લા દિવસે રૂ. 2,114.17 કરોડની ઇક્વિટી ખરીદી હતી. રોકાણકારો અપેક્ષા રાખે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક વૃદ્ધિ ચાલુ રાખવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ પર ખર્ચ કરે.
આ પણ જુઓ: ઈઝરાયેલના લોકો માલદીવ જઈ શકશે નહીં! રફાહ હુમલાથી નારાજ મુઇઝઝૂ સરકારે લાદ્યો પ્રતિબંધ