Stock Market Closing: શેરબજાર 1769 પોઇન્ટના કડકા સાથે બંધ, રોકાણકારોના કરોડો સ્વાહા
મુંબઈ, 3 ઓક્ટોબરઃ ભારતીય શેરબજાર માટે નવરાત્રીનો પ્રથમ દિવસ ખાસ ન રહ્યો. દિવસના અંતે ભારતીય શેરબજાર 1769 પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું. નિફ્ટી 2 ટકા ઘટાડા સાથે બંધ રહી. આજે શેરબજાર બે મહિનાની નીચલી સપાટીએ બંધ થયું હતું. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 46,525,538 રૂ. રહી ગઈ છે. જે 1 ઓક્ટોબર, 2024ના રોજ 47,596,283 રૂપિયા હતી. 2 ઓક્ટોબરના દિવસે માર્કેટમાં રજા હતી.
સેન્સેક્સ 18769.19 પોઇન્ટના કડાકા સાથે 82,497.10 પોઇન્ટ (-2.10 ટકા) પર, નિફ્ટી 50 546.80 પોઇન્ટ ઘટીને 25,250.10 પોઇન્ટ (-2.12 ટકા) અને બેંક નિફ્ટી 1077.40 પોઇન્ટના ઘટાડા સાથે 51,845.20 પોઇન્ટ (-2.04 ટકા) પર બંધ રહ્યા હતા. બીપીસીએલ સૌથી વધુ તૂટ્યો (-19.40 ટકા), જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ સૌથી વધુ વધ્યો (+11.80 ટકા) હતો. આજના કારોબારમાં 1077 શેર વધ્યા, 2740 શેર ઘટ્યા અને 86 શેરના ભાવમાં કોઈ બદલાવ થયો નહોતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2 ટકા ઘટ્યા હતા. તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા હતા.
Sensex tanks 1,769.19 points to settle at 82,497.10; Nifty plunges 546.80 points to 25,250.10
— Press Trust of India (@PTI_News) October 3, 2024
શેરબજાર કડડભૂસ થવાના મુખ્ય કારણો
ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષઃ પશ્ચિમ એશિયામાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવની અસર વિશ્વભરના બજાર માટે ચિંતાનું કારણ છે. જો આ સ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય તો તેની અસર વૈશ્વિક શેરબજાર પર જોવા મળશે. ભારતને પણ તેની અસર થશે. આ ચિંતાને લઈ રોકાણકારો બજારમાં નવી ખરીદીથી બચી રહ્યા છે.
ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારોઃ પશ્ચિમ એશિયામાં વધેલા તણાવની અસર ક્રૂડ ઓઈલની કિંમત પર જોવા મળી છે. બ્રેંટ ક્રૂડનો ભાવ 75 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. જેની માર્કેટ પર નકારાત્મક અસર પડી, કારણકે ભારત ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને આયાત બિલમાં ક્રૂડ ઓઇલ મહત્વપૂર્ણ હિસ્સો છે.
વાયદા કારોબારના નિયમો કડક થવાઃ સેબીએ તાજેતરમાં તેની બોર્ડ બેઠકમાં વાયદા કારોબારના નિયમોમાં બદલાવની મંજૂરી આપી હતી. સેબીના આ નિર્ણયની આજે શેરબજારમાં અસર જોવા મળી હતી.
ચીન પણ કારણભૂતઃ ચીનના શેરબજારમાં મજબૂતીથી ભારતીય રોકાણકારો ચિંતામાં છે. થોડા સમયથી ચીનનું શેરબજાર ખરાબ પ્રદર્શન કરતું હતું પરંતુ ગત સપ્તાહે ચીની સરકારે આર્થિક પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યુ હતું. જેથી ચીનના બજારને ટેકો મળ્યો હતો. નિષ્ણાતોએ ચીનના શેરબજારમાં વધારાની સંભાવના વ્યક્ત કરી છે, જેનાથી ભારતથી બહાર મૂડી મોકલવાને પ્રોત્સાહન મળી રહ્યું છે.
ડૉલર સામે રૂપિયા ગગડ્યોઃ ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ડૉલર સામે રૂપિયો પણ ગગડ્યો છે. બજારમાંથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી ભારતીય શેરબજાર પર અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં ઈઝરાયેલ ઈફેક્ટ, માર્કેટમાં કડાકાથી મચી ગયો દેકારો