ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

‘કૂટનીતિ માટે હજુ પણ અવકાશ’ : ભારત-કેનેડા વિવાદ પર વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર

  • અંગ્રેજી અખબારની કોન્ફરન્સમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે આપ્યું નિવેદન
  • મને પૂરી આશા છે કે આપણે કોઈ રસ્તો શોધી લઈશું : ડો.એસ.જયશંકર

ન્યુ દિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ અંગે અંગ્રેજી અખબારની કોન્ફરન્સમાં બોલતા ભારતના વિદેશ મંત્રી ડો. એસ.જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે, “બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થઈ શકે છે. મને લાગે છે કે અહીં હજુ પણ કૂટનીતિ માટે જગ્યા છે. હું જાણું છું કે કેનેડાના વિદેશ પ્રધાને પણ આવું કહ્યું છે, તેથી અમે સતત સંપર્કમાં છીએ. મને પૂરી આશા છે કે આપણે કોઈ રસ્તો શોધી લઈશું.”

 

“સાર્વભૌમત્વ, સંવેદનશીલતા – એકતરફી રસ્તો ન હોય શકે” : વિદેશ મંત્રી

વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, “સાર્વભૌમત્વ, સંવેદનશીલતા – આ એકતરફી  રસ્તો ન હોય શકે. દેશની પોતાની ચિંતાઓ પણ હોય શકે છે. મેં ક્યારેય કોઈ દેશને કહ્યું નથી કે હું તેમની ચિંતાઓ વિશે તેમની સાથે વાત કરવા તૈયાર નથી. પરંતુ એવું ન હોય શકે કે વાતચીત મારી ચિંતાઓ અને મારી સંવેદનશીલતાને સંપૂર્ણપણે ફગાવી દે.”

 

વાણી-અભિવ્યક્તિની સ્વતંત્રતા ખરાબ બાબત પ્રચાર કરવાનું લાયસન્સ ન બની શકે : ડો.એસ. જયશંકર

વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, “ભારત સહિત ઘણા દેશો છે, જ્યાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ તે હિંસા અને ધાકધમકીનું સમર્થન કરવા અથવા અલગતાવાદ, ઉગ્રવાદ અને ખરાબ બાબતનો પ્રચાર કરવાનું લાયસન્સ બની શકે નહીં. તેથી અમે જે સમસ્યાનો સામનો કર્યો છે તે ખરેખર એ છે કે અમે એવી પ્રવૃત્તિઓ જોઈ છે જેને સ્વતંત્રતાના નામે ન્યાયી ઠેરવવામાં આવી છે,”

નિજ્જરની હત્યા બાદ ભારત-કેનેડા વચ્ચે વિવાદ સર્જાયો

18 જૂન, 2023ના રોજ, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી જ્યારે કેનેડાની સરકારે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ ભારતે પણ તરત જ એક નિવેદન જારી કરીને આ મુદ્દામાં કોઈપણ પ્રકારની સંડોવણી હોવાનો ઇનકાર કરીને એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. ભારતે કેનેડાના દાવાઓને ‘વાહિયાત’ અને ‘પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધા હતા.

આ પણ જાણો :પેલેસ્ટાઈનના મુદ્દાનો ઉકેલ જરૂરી, પરંતુ આતંકવાદ અસ્વીકાર્ય : એસ.જયશંકર

Back to top button