T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

આંકડા કહે છે કે પાકિસ્તાન આ વખતનો T20 World Cup નહીં જીતે

13 મે, નવી દિલ્હી: T20 World Cup શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકો આ વર્લ્ડ કપ શરુ થવાની તો રાહ જોઈ જ રહ્યા છે પરંતુ સાથે સાથે આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ મેચ જ એ કારણ બની શકે છે જેને કારણકે પાકિસ્તાન આ વખતનો T20 World Cup નહીં જીતી શકે.

આ આંકડા એટલા મજબૂત અને વિચિત્ર છે કે તમને પણ વાંચતી વખતે આશ્ચર્ય થશે. 2007 થી 2022 સુધીના તમામ T20 વર્લ્ડ કપના આંકડાઓની તપાસ કરતાં એ જાણવા મળ્યું છે કે કોઇપણ વર્લ્ડ કપ હોય તેના ગ્રુપ સ્ટેજમાં ભારતનો સામનો કરનારી ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી નથી શકી.

આશ્ચર્ય થયું ને? તો ચાલો વિસ્તારથી તપાસીએ આ આંકડાને.

2007નો વર્લ્ડ કપ જે સાઉથ આફ્રિકામાં રમાયો હતો તેના ગ્રુપ સ્ટેજમાં ભારત સ્કોટલેંડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે રમ્યું હતું અને ભારત પોતે ચેમ્પિયન બન્યું હતું.

2009નો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં આયોજિત થયો હતો તેમાં ભારતના ગ્રુપમાં બાંગ્લાદેશ, આયરલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા હતા અને પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.

2010નો વર્લ્ડ કપ જે વેસ્ટ ઇન્ડિઝમાં રમાયો હતો તેમાં ભારતના ગ્રુપમાં અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા હતા અને ઇંગ્લેન્ડે ટ્રોફી જીતી હતી.

2012માં શ્રીલંકાની યજમાનીમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારત સાથે અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા હતા જ્યારે ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડિઝ બની હતી.

2014માં વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશ પાસે હતું અને ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા હતા અને ફાઈનલમાં ભારતને હરાવીને શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું.

2016માં ભારત હોસ્ટ હતું અને તેની સાથે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝે બીજી વખત ટ્રોફી જીતી હતી.

2021માં કોરોનાને કારણે ટુર્નામેન્ટ UAEમાં રમાઈ હતી અને ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેંડ અને નામિબિયા હતા જ્યારે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ બની હતી.

2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, નેધરલેન્ડ્સ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને ભારતના ગ્રુપમાં રાખવામાં આવ્યા  હતા અને ઇંગ્લેન્ડે આ ટુર્નામેન્ટ જીતી હતી.

આવનાર T20 World Cup માં ભારતના ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત, આયરલેન્ડ, કેનેડા અને યુએસએ છે. છેલ્લી ત્રણ ટીમો સિવાય એકલું પાકિસ્તાન જ છે જે વર્લ્ડ કપ જીતવા માટે દાવેદાર ગણી શકાય. પરંતુ જો આંકડાનું માનીએ તો પાકિસ્તાન આ વખતનો T20 World Cup નહીં જીતે.

બીજા એક આંકડા અનુસાર હજી સુધી આ ટ્રોફી કોઇપણ ટીમ સતત બે વખત નથી જીતી શકી, એટલે ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ માટે પણ આ વખતનો વર્લ્ડ કપ જીતવો સરળ નહીં હોય.

Back to top button