સુરતમાં બનશે રાજ્યની સૌથી ઊંચી કલેકટર કચેરી, અત્યાધુનિક સુવિધાથી સજ્જ
સુરતમાં આજે રાજ્યના ગૃહમંત્રી દ્વારા સૌથી મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી કલેક્ટર કચેરીનું નિર્માણના પહેલા તબક્કાના ટાવરનું મહેસુલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા ભવન માટેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. રૂ. 30 કરોડના ખર્ચે શહેરના પીપલોદ સ્થિત એસ.વી.એન.આઈ.ટી. ગેસ્ટ હાઉસની સામે નવી કલેકટર કચેરીનુ નિર્માણ થશે.
તબક્કાવાર પાંચ ટાવરમાં નિર્માણ થનાર આ બિલ્ડિંગ 14 માળ કચેરી હશે. રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરતમાં હવે રાજ્યની સૌથી ઊંચી કલેક્ટર કચેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રૂપિયા 30 કરોડના ખર્ચે આ ટાવર એક વર્ષના ટૂંકા ગાળામાં બનાવી દેવાશે. આ બહુમાળી સરકારી ઈમારત ગ્રીન બિલ્ડિંગના કન્સેપ્ટ ઉપર તૈયાર કરાશે. આ બિલ્ડિંગમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા 2 લાખ લિટર જેટલાં પાણીનું સ્ટોરેજ કરાશે. ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલાર સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. આ ઈમારત 30 ટકા વીજળી સોલારમાંથી મેળવશે. આ ઈકોફ્રેન્ડલી ઈમારતના બાંધકામ માટેનું ખાતમુહૂર્ત થયું છે.
આ પણ વાંચો : આજથી સામાન્ય જનતા માટે ઓપન થયો ડિફેન્સ એકસ્પો, જાણી લો સમય અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા
શું હશે વિશેષ સુવિધાઓ ?
આ ઉપરાંત સુરતમાં રાજ્યની સૌથી ઊંચી કલેક્ટર કચેરીની સાથે 100 કરોડના ખર્ચે તૈયાર થનારી જુદી જુદી સરકારી કચેરીઓનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે જ કોર્પોરેશનની કચેરી, પાણી પુરવઠા કચેરી, પંચાયતની કચેરીઓ અને મહેસૂલ વિભાગ ભવનનું લોકાર્પણ કરાશે. રૂપિયા 49 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ સરકારી કચેરીઓનું લોકાર્પણ થશે જ્યારે રૂપિયા 46 કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
નવી કલેક્ટર કચેરીની ખાસિયતો
- એસવીએનઆઈટી ગેસ્ટ હાઉસની બાજુના પ્લોટમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કરાશે.
- 14 માળની સરકારી ઈમારતમાં બે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે.
- એક જ છત નીચે મહેસૂલ વિભાગની તમામ કચેરીઓને આવરી લેવામાં આવશે.
- આધુનિક કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, ક્રાફેટેરિયા પણ હશે
- એક જ કેમ્પસમાં બીજા 4 ટાવર ભવિષ્યમાં બનાવાશે અને દરેક ટાવર એકબીજા સાથે કનેક્ટ રહે તે રીતે ડિઝાઈન કરાશે.