ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની અટલતા જોખમમાં, 4 મહિનામાં તૈયાર કરાયેલ બ્રિજમાં તિરાડો

  • 4 મહિના પહેલા તૈયાર કરાયેલ બ્રિજમાં તિરાડ
  • તંત્રએ પાપ છુપાવવા તિરાડ પર સિમેન્ટના થીગડા
  • મેયર દ્વારા તપાસના આદેશ અપાયા

રાજ્યમાં બ્રિજોએ ભ્રષ્ટાચારમાં જાણે હરીફાઈ રાખી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ મુમતપુરા બ્રિજ બાદ હવે રાજ્યના સૌથી મોટો અટલ બ્રિજ આ સ્પર્ધામાં કેવી રીતે પાછળ રહી શકે. સંસ્કારીનગરી વડોદરામાં આવેલો રાજ્યનો સૌથી મોટા અટલ બ્રિજ પર તિરાડો જોવા મળી છે. 2૩0 કરોડના ખર્ચે બનાવેલ આ બ્રિજના હજી 5 મહિના જ થયા છે એવામાં બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. સંસ્કારીનગરીમાં આવું અસંસ્કારી કાર્ય કોને કર્યું તે અંગે મેયરે તપાસના આદેશ આપ્યા છે.

ઉદઘાટનનો  માંડ 4 મહિના જેટલો સમય 

ગુજરાતનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો બ્રિજ અટલ બ્રિજ વડોદરા શહેરમાં આવેલો છે. 2૩0 કરોડના ખર્ચે બનાવેલ આ બ્રિજના ઉદઘાટનના હજી માંડ 4 મહિના જેટલો સમય થયો છે ત્યાતો બ્રિજમાં ભષ્ટાચારની ગંધ આવવા લાગી. રાજ્યના આ સૌથી લાંબા અટલ બ્રિજ પર મોટી તિરોડ પડી ગઈ છે. કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડો પડતાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે.

આ પણ વાંચો : વડોદરાના અલકાપુરીમાં ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં આગ, 40 કર્મીઓનું રેસ્ક્યૂ

અટલ બ્રિજની અટલતા પર સવાલ

રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું વડોદરા કોર્પોરેશને મુખ્યમંત્રીના હસ્તે 25 ડિસેમ્બરે બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું. 230 કરોડના ખર્ચે ભવ્ય અટલબ્રિજ તૈયાર કરાયો હતો. વડોદરામાં 4 મહિના પહેલા જ ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યાના માત્ર દોઢ માસમાં જ અટલ બ્રિજ પરનો ડામર ઉખડવાનો શરૂ થઈ ગયો હતો. ત્યારે 4 મહિનામાં બ્રિજ પર તિરાડો દેખાવા લાગી છે. ત્યારે સવાલ એ છે કે, શું અટલ બ્રિજની અટલતા રહેશે કે પછી તેની હાલત હાટકેશ્વર બ્રિજ જેવી થશે?

આ પણ વાંચો : હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજને લઈને આકરી કાર્યવાહી, કોન્ટ્રાક્ટ પરત લેવાશે

કોન્ટ્રાકટરે રસ્તા પર રેતી પાથરી એક તરફનો બ્રિજ પણ બંધ કરી દીધો

માત્ર 4 મહિના પહેલા ઉદઘાટન પામેલ અટલ બ્રિજ પર તિરાડો પડવા સાથે રસ્તા પરનો ડામર પણ પીગળી ગયો છે. આ કારણે કોન્ટ્રાકટરે રસ્તા પર રેતી પાથરી એક તરફનો બ્રિજ પણ બંધ કરી દીધો છે. એક તરફનો બ્રિજ બંધ કરતા વાહનચાલકો અટવાયા છે. વાહનચાલકોએ હાલાકી વ્યક્ત કરતા કહ્યું કે, બ્રિજના ભ્રષ્ટાચાર મામલે સરકારે દખલગીરી કરી નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.

આ પણ વાંચો : હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજને લઈને આકરી કાર્યવાહી, કોન્ટ્રાક્ટ પરત લેવાશે

તિરાડ પર થીંગડા મારી પાપ છુપાવવાનો પ્રયત્ન

૨૩૦ કરોડના ખર્ચે બનેલ આ બિમાર, બિસ્માર બ્રિજ માટે જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટરે કેવી કામગીરી કરી છે કેવો ભ્રષ્ટાચાર કર્યો છે તેનો જીવંત પુરાવો આ બ્રિજ છે. બ્રિજમાં વપરાયેલું મટીરિયલ પણ તિરાડોમાંથી બહાર નીકળી રહ્યું છે. હાલ કોન્ટ્રાક્ટર પોતે કરેલા ભ્રષ્ટાચારને સિમેન્ટ લગાવી પોતાનું પાપ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સ્થિતિ બતાવે છે કે બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું છે.

આ પણ વાંચો : વડોદરામાં લગ્નના 15 દિવસ અગાઉ યુવતીનો આપઘાત

વિપક્ષની કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની માંગ

રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ પર તિરાડ પડવાનો મામલે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમદાવાદના હાટકેશ્વર બ્રિજની જેમ અટલ બ્રિજની પણ ચકાસણી થવી જોઈએ. અટલ બ્રિજનું ઉતાવળે કામ થયું છે. બ્રિજની ચકાસણી કરી બ્રિજ જોખમકારક હોય તો ઉતારી પાડો. કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટ કરો. રાજ્ય સરકાર વિજિલન્સ તપાસ કરાવે, પોલીસ ફરિયાદ થવી જોઈએ. અટલ બ્રિજના કામમાં મોટો ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયો છે. વાહનચાલકોના જીવને જોખમ ન હોય તેવો બ્રિજ બનવો જોઈએ. હજી 25 ડિસેમ્બર 2022 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 230 કરોડના ખર્ચે બ્રિજ બન્યો છે.

આ પણ વાંચો : વડોદરામાં VMCને વેરા પેટેની આવકનો આંકડો જાણી રહેશો દંગ

મેયર તપાસના આદેશ આપ્યા

વડોદરાના અટલ બ્રિજમાં પડેલ તિરાડ મુદ્દે ખુલાસો આપતા વડોદરાના મેયર નિલેશસિંહ રાઠોડે કહ્યું કે, બ્રિજના તિરાડ મુદ્દે અધિકારીઓને સ્થળ તપાસના આદેશ આપ્યા છે. સ્થળ તપાસ બાદ અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. હું પોતે સ્થળ વિઝિટ કરવા જઈશ. જ્યાં સુધી જાતે જઈ તપાસ ન કરું ત્યાં સુધી કંઈ ન કહી શકું.

રાજ્યમાં બ્રિજના ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે એવામાં રાજ્યનો સૌથી લાંબો બ્રિજમાં પણ તિરાડો સામે આવતા ભષ્ટાચારની ગંધ આવી રહી છે. આખરે ક્યાં સુધી પ્રજાના પૈસા એમજ ભ્રષ્ટાચારમાં વેડફતા રહેશે, ભષ્ટાચાર આચરનારને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે નહી તેમજ તેની સામે પોલીસ કેસ કરવામાં આવશે કે નહી, કોણ કરી રહ્યું છે સંસ્કારીનગરીને અસંસ્કારી જેવા ઘણા પ્રશ્નો પ્રજાને થઇ રહ્યા છે.

Back to top button