- 16 હથિયાર ગુજરાતમાં વેચ્યા હોવાનો પોલીસ પૂછપરછમાં ખૂલાસો
- પોલીસે જમ્મુકાશ્મીરથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી
- સોશિયલ મીડિયા ગૃપ બનાવી હથિયાર વેચવાનું નેટવર્ક ઉભુ કર્યુ
હાલમાં અમદાવાદ એલસીબી ઝોન 2 અને સોલા પોલીસે આ કેસમાં વધુ ત્રણ લોકોની જમ્મુથી ધરપકડ કરી છે. જેમા નિવૃત આર્મી જવાન રસપાલ, ગન શોપ મેનેજર સંજીવ અને ગનશોપ માલિક ગૌરવની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં 16 હથિયાર ગુજરાતમાં વેચ્યા હોવાનો પોલીસ પૂછપરછમાં ખૂલાસો થયો છે. અગાઉ મુખ્ય ત્રણ આરોપી સહિત 9 લોકોની ધરપકડ કરાઈ છે. તે સમયે પોલીસે 9 જેટલા હથિયાર જપ્ત કર્યા હતા.
સોશિયલ મીડિયાનો પણ થઈ રહ્યો હતો ઉપયોગ
આ ઉપરાંત આરોપીઓ સોશિયલ મીડિયા ગૃપ બનાવી હથિયાર વેચવાનું નેટવર્ક ઉભુ કર્યુ હતુ. બે વર્ષમાં 800થી પણ વધુ હથિયારો ગન હાઉસમાં વેચાયા છે. ગેરકાયદે હથિયારોનું દેશવ્યાપી નેટવર્ક સામે આવતા પોલીસે ગનના લાઈસન્સની તપાસ શરૂ કરી છે. ગેરકાયદે હથિયારો વેચવાના રેકેટમાં વધુ એક નિવૃત આર્મી જવાન પોલીસ સકંજામાં આવ્યો છે.
જમ્મુથી લાવવામાં આવી રહ્યા હતા હથિયાર
તેમજ હથિયારો મેળવવા માટે જમ્મુના ગન હાઉસના માલિક સાથે મળીને ગેરકાયદે હથિયાર અને ડુપ્લીકેટ લાયસન્સ આપવાનુ રેકેટ શરૂ કર્યુ હતુ. જેમા પોલીસે જમ્મુકાશ્મીરથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ વચ્ચે પકડાયેલ 3 આરોપીમાં નિવૃત આર્મી જવાન રસપાલકુમાર આસામ રાઈફલ્સમાં સૈનિક તરીકે ફરજ બજાવતો તે સમયે મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના સર્પકમાં આવ્યો હતો. આ બન્નેએ જમ્મુ ખાતે આવેલા મહેન્દ્ર કોતવાલ ગન શોપમાંથી હથિયારો ખરીદ્યા હતા. જે ગેરકાયદે હથિયાર ખરીદી આરોપી પ્રતીક ગુજરાતમાં લાવતો અને તેનું ઓલ ઓવર ઇન્ડિયાનું ડુપ્લીકેટ લાઇસન્સ બનાવતો હતો. જે બાદ ગુજરાતમાં હથિયાર ગેરકાયદે વેચતો હતો.
મહત્વનું છે હથિયારના લાઇસન્સ સાથે હથિયાર ખરીદવા માટે જે તે લાઇસન્સ ધારકે હાજર હોવું જોઈએ પણ ગન શોપના માલિક અને મેનેજર રજિસ્ટરમાં અલગ અલગ આર્મી જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી હથિયારો ગેરકાયદે વેંચતા હતા. સોલા પોલીસે જમ્મુ કશ્મીરમાં સર્ચ કરીને અલગ અલગ રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. રજિસ્ટ્રારમાં આરોપીઓ દ્વારા નિવૃત આર્મી જવાન લાઇસન્સ મેળવી ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હોવાના પુરાવા મળ્યા છે.