નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસના પ્રકોપથી લોકોનું જીવન ફરી મુશ્કેલીભર્યું બની રહ્યું છે. ચીનમાં ચારેબાજુ હાહાકાર જોવા મળી રહ્યો છે. કોરોના કેસમાં વધારા માટે જવાબદાર ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7 ભારતમાં પણ જોવા મળ્યો છે. તો હવે વિદેશથી આવતા લોકો પણ સંક્રમિત મળી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અલર્ટ છે. તો બીજી બાજુ ન્યૂયરને ધ્યાનમાં રાખીને પણ રાજ્ય સરકારે લોકોને સતર્ક અને સાવધાન રહેવાના દિશા-નિર્દેશ આપ્યા છે.
કર્ણાટકે જાહેર કરી એડવાઇઝરી
ન્યૂયરને લઈને કર્ણાટક સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. કર્ણાટકમાં રેસ્ટોરાં, પબ, થિયેટર હોલ, સ્કૂલ અને કોલેજ જેવી બંધ જગ્યાઓ પર માસ્કર પહેરવાનું અનિવાર્ય કરી દીધું છે. રાજ્યમાં નવવર્ષનો જશ્ન રાત્રે 1 વાગ્યા સુધી જ ચાલશે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે.સુધાકરે કહ્યું- “ગભરાવવાની જરૂર નથી, પરંતુ આપણે અત્યારથી જ સાવધાની રાખવી જરૂરી છે.”
કર્ણાટક સરકારની તાજા એડવાઇઝરી મુજબ, ગર્ભવતી મહિલાઓ, બાળકો, વૃદ્ધ નાગરિકો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓવાળા લોકોને સાર્વજનિક સમારંભમાં જવાનું ટાળવું જોઈએ. આ સાથે જ જે ઈવેન્ટ ઈન્ડોર થઈ રહી છે ત્યાં લોકોની સંખ્યા ઉપલબ્ધ સીટની સંખ્યાથી વધુ ન હોવી જોઈએ.
દિલ્હીમાં નવા વર્ષનો જશ્ન
દિલ્હીમાં પણ કોરોનાની સ્થિતિને લઈને અરવિંદ કેજરીવાલની સરકાર એક્શન મોડમાં છે. ANIના રિપોર્ટ મુજબ સોમવારે દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ કોવિડના ડરને જોતા તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી. તો આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોવિડની સ્થિતિ પર એક ઈમરજન્સી બેઠક પર કરી. તેમણે જણાવ્યું દિલ્હીમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટ BF.7 નથી મળ્યો. તેમણે કહ્યું કે તેમની સરકાર કેસમાં કોઈ પણ સંભવિત ઉછાળા સામે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ગોવામાં કેવી છે તૈયારીઓ?
રાજ્ય સરકારે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના કોવિડ પ્રતિબંધ લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક ઉચ્ચસ્તરીય બેઠક કરી જે બાદ આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું 1 જાન્યુઆરી, 2023 સુધી કોઈ અંકુશ નહીં લગાડવામાં આવે. જો કે રાજ્ય સરકારે તે પછી સ્થિતિને રિવ્યૂ કર્યા બાદ નક્કી કરશે કે પ્રતિબંધની કોઈ જરૂરિયાત છે કે નહીં.
હિમાચલમાં એડવાઈઝરી
નવા વર્ષની ઉજવણી માટે દર વર્ષે લાખોની સંખ્યામાં ટૂરીસ્ટ હિમાચલ પ્રદેશ પહોંચે છે. એવામાં રાજ્ય સરકાર માટે અહીં પણ ઘણાં જ પડકારો છે. સ્વાસ્થ્ય વિભાગે કોવિડ ઉપયુક્ત વ્યવહારના પાલન માટે એક જરૂરી સલાહ જાહેર કરી છે.
હિમાચલ પ્રદેશ સરકારે સતકર્તા દાખવતા કોવિડ પ્રતિબંધો લગાવ્યા છે. લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. હોટલ અને રેસ્ટોરાં માલિકોને તે સુનિશ્ચિત કરવાનું પણ કહ્યું છે કે વિઝિટર્સ આ નિયમોનું પાલન જરૂરથી કરે.
ઉત્તરાખંડમાં શું છે નિયમ
નવા વર્ષને લઈને નૈનીતાલમાં પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ અને પ્રશાસન પોતાના સ્તરે તૈયારીઓ કરી રહ્યું છે. હોટલ ઉદ્યોગે પણ પર્યટકોના સ્વાગતની શાનદાર તૈયારીઓ કરી છે. રિપોટ્સ મુજબ આ વખતે નૈનીતાલમાં વિતેલા વર્ષની તુલનાએ વધુ પર્યટકો આવશે તેવી આશા છે. જો કે કોરોનાને કારણે હોટલ બુકિંગમાં અસર જોવા મળી રહી છે.
આ સાથે જ પ્રશાસનિક અધિકારીઓએ માસ્કના ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત CMOને તમામ હોસ્પિટલમાં લાગેલા ઓક્સીજન જનરેશન પ્લાન્ટ, ઓક્સીજન સિલિન્ડર્સને યોગ્ય રીતે તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા છે.