2017ની ચૂંટણી દરમિયાનના ભાષણના કેસમાં સુરત કોર્ટમાં ભાજપના MLA હાર્દિક પટેલનું નિવેદન લેવાયુ
સુરત, 11 ડિસેમ્બર 2023, ગુજરાતનું પાટીદાર આંદોલન 2017ની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં હતું. આ દરમિયાન હાલના વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સુરતમાં યોગીચોક ખાતે યોજાયેલી સભાને સંબોધિત કરી હતી. જેમાં બિન રાજકીય સભામાં રાજકીય નિવેદનો આપવામાં આવ્યા હતા. હાર્દિક પટેલ સામે આ સભામાં સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યાનો કેસ થયો હતો. આજે કેસ અંગે સુરતની કોર્ટમાં હાર્દિક પટેલને હાજર થવુ પડ્યું હતું અને તેમનું ફર્ધર નિવેદન લેવાયુ હતું. આ કેસમાં હવે આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ થશે.
હાર્દિક પટેલનું કોર્ટમાં ફર્ધર નિવેદન નોંધવામાં આવ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના યોગી ચોકમાં 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે જન ક્રાંતિ મહાસભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યું હતું. જેને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજે કેસ ચાલી જતા હાર્દિક પટેલનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફર્ધર નિવેદન નોંધવામાં આવ્યું છે. સુરત કોર્ટમાં આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તેના અનુસંધાને કેસ થયો હતો તેનું ફર્ધર સ્ટેટમેન્ટ આપવા હું આજે કોર્ટમાં હાજર થયો છું. કોર્ટની પ્રક્રિયાનું હંમેશા માન-સન્માન રાખ્યું છે અને કાયદાકીય પ્રક્રિયામાં કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે અમે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે આપ્યા છે.
એક વ્યક્તિના નામે આખા સમાજને ટાર્ગેટ ન કરવો જોઇએ
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં આજે કોર્ટના કામે આવવાનું થયું. વધુ સુનાવણી આગામી 20 તારીખની આસપાસ હશે જેમાં વકીલ સાહેબ તરફથી આખરી દલીલ હશે લગભગ એકાદ બે મુ્દ્દત બાદ તેનો નિર્ણય આવી જશે. તેમણે કહ્યું હતું કે, જે રીતે નકલી આગેવાન કે નકલી પીએના નામે લોકોને ધમકી આપવાના ફોન થતા હોય છે તે ખોટું થઇ રહ્યું છે.એક વ્યક્તિના કારણે આખો સમાજ દુખી ન હોઇ શકે, એક વ્યક્તિના નામે આખા સમાજને ટાર્ગેટ ન કરવો જોઇએ. ટોલનાકા મામલે પણ કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાત ભાજપના MP અને MLAની આવતીકાલે બેઠક, લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડશે