સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ
- ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે
- સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે
ગાંધીનગર, 6 જાન્યુઆરી, 2025: રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલને અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેને પગલે હવે ગુજરાત પોલીસને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે કામગીરી કરવામાં સરળતા રહેશે.
ગુજરાતના ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.
રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા રાજ્યને સ્પર્શતા ગુનાઓના દરોડા પાડી તેના ગુના આ નવા એસ.એમ.સી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવશે અને તેની તપાસ પણ આ ટીમ દ્વારા કરવામાં આવશે. આ ગુનાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.
અગાઉ વર્ષ ૨૦૦૨માં રાજ્ય સરકાર દ્વારા ATSને પણ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું હતું. હવે SMC દ્વારા ATSની જેમ ગુજરાત તેમજ દેશમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ વિરુદ્ધ સક્રિય રીતે પગલાં લેવામાં સક્ષમ બનશે અને અસરકારક કામગીરી કરશે.
સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનથી શું થશે?
• ઝડપી અને અસરકારક તપાસ: સ્થાનિક પોલીસ સ્ટેશન અને જિલ્લા-રેન્જ વડાશ્રીઓની મંજુરીમાંથી મુક્તિ મળતાં તપાસની પ્રક્રિયા ઝડપી બનશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થઈ શકશે.
• રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગુનાઓની તપાસ: આ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે.
• સીધું માર્ગદર્શન: સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે.
આ નિર્ણયથી ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર અંકુશ આવશે અને રાજ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. આ પોલીસ સ્ટેશનની સ્થાપના માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. હાલ જ્યાં આ સેલ કાર્યરત છે ત્યા જ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મીટર વિનાની રિક્ષાઓ વિરુદ્ધ સપાટોઃ પાંચ દિવસમાં આટલા લાખનો દંડ વસુલાયો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD