ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ઈ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની બેઠક સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઈ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની દ્વિતીય બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અદ્યતન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી જિલ્લા સ્તરે મહેસુલી સેવાઓ વધુ ટ્રાન્‍સપેરન્‍ટ બને તેમજ ઈ-ધરા રેકર્ડ વધુ સુદ્રઢ બને તે અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપીને વિચાર-વિમર્શ કર્યો હતો.

Gujarat E-Dhara Society Meeting

મહેસુલ વિભાગ અંતર્ગતની ઈ-ધરા સોસાયટીની રચના મુખ્યત્વે રાજ્યકક્ષાની એક સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરવા તેમજ સેન્ટ્રલ અને રાજ્ય સરકારના મહેસુલ સંબંધિત કાર્યો કરવા માટે કરવામાં આવેલી છે. એટલું જ નહીં, જિલ્લા સ્તરીય ઈ-ધરા સોસાયટીઓને સુદ્રઢ કરવા તેમજ ભવિષ્યમાં આ સોસાયટીને સરકાર કે અન્ય સંસ્થાઓ દ્વારા સોંપવામાં આવતા ઈ-ગવર્નન્સ સંબંધિત પ્રોજેક્ટસ અમલ માટે પણ આ સ્ટેટ લેવલ સોસાયટી કાર્યરત છે.

મુખ્યમંત્રી આ સોસાયટીના અધ્યક્ષ તેમજ મુખ્ય સચિવશ્રી અને ૪ અધિક મુખ્ય સચિવ, ત્રણ સચિવ તેના સભ્યો અને મહેસુલ તપાસણી કમિશનર સોસાયટીના સભ્ય સચિવ છે. ઈ-ધરા સોસાયટીની ગવર્નિંગ બોડીની આ બીજી બેઠકમાં ૨૦૦૪ થી રાજ્યમાં શરૂ થયેલી ઇ-ધરાનાં અસરકારક અમલીકરણ માટે મહેસુલ વિભાગ દ્વારા થયેલી વિવિધ પ્રજાલક્ષી કામગીરીની છણાવટ અને ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યના STબસોના મુસાફરો માટે સરકારની નવી પહેલ

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈ-ધરાના માધ્યમથી રાજ્યમાં ખેડૂતોને સીધી રીતે સ્પર્શતી સેવાઓ ગામ નમુના ૭/૧૨, ૮-અ તેમજ હક્ક પત્રકની ડિઝીટલી સાઇન્ડ અને QR કોડ સહિતની લગભગ ૬૨ લાખથી વધુ અધિકૃત નકલો દર મહિને ઈશ્યુ થાય છે.

State Level Governing Body Meeting

આ ઉપરાંત ખાતેદારો દ્વારા પોતાના હક્ક સંબંધિત ફેરફાર કરાવવા અંગે ઇ-ધરા કેન્દ્રનો પ્રત્યક્ષ સંપર્ક કરીને મૂળ રેકર્ડમાં કરવામાં આવતી નોંધ એટલે કે મ્યુટેશન એન્ટ્રી દર મહિને દોઢ લાખથી વધુની સંખ્યામાં થાય છે. એટલું જ નહીં, ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઓટો મ્યુટેશનની સંખ્યા પણ પ્રતિ માસ પચાસ હજારથી વધુની રહે છે.

ઈન્ટરનેટના માધ્યમથી દર મહિને ઓનલાઇન મહેસૂલી રેકર્ડ જોવાનો લાભ પણ અંદાજે એક કરોડથી વધુ નાગરિકો લે છે તે અંગેની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી. રાજ્યમાં ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન I-ORA ના માધ્યમથી બિનખેતી સહિતની વિવિધ ૩૬ જેટલી ફેસલેસ ઓનલાઇન સેવાઓ રાજ્યના નાગરિકોને મળે છે તે સંદર્ભે પણ આ બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો.

મુખ્ય સચિવ રાજકુમાર, મહેસુલના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

Back to top button