ગુજરાતમાં રાજ્યના પોલીસ મથકો વધુ સક્ષમ થશે. જેમાં ગુનેગારોના સબુત હાથોહાથ મળશે તેના માટે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગાંધીનગર એનએફએસયુ ખાતે દેશની પ્રથમ ફોરેન્સિક હેકાથોન યોજાઇ છે. તથા સુરક્ષા વ્યવસ્થામાં ફોરેન્સિક હેકાથોનની મહત્ત્વની ભૂમિકા છે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. તેમાં દરેક પોલીસ મથકમાં ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશની સૌપ્રથમ ફોરેન્સિક હેકાથોનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ) ગાંધીનગર ખાતે દેશની સૌપ્રથમ ફોરેન્સિક હેકાથોનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું હતું. બીજી ફેબ્રુઆરીથી ત્રિદિવસીય 25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ પણ યોજાશે. ગૃહમંત્રીએ આ તબક્કે જણાવ્યું હતું કે, દેશની સઘન સુરક્ષા અને કાયદો વ્યવસ્થામાં ફોરેન્સિક હેકાથોન મહત્ત્વની ભૂમિકા ભજવશે. ગુનાની તપાસ પર પણ સકારાત્મક અસર કરશે. દરેક પોલીસ મથકમાં ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ રાખવાનું આયોજન છે.
ફોરેન્સિક વૈજ્ઞાનિકોના સમન્વયથી દેશની સુરક્ષા વધુ સઘન બનશે
ગૃહમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં બનતા ગુનાઓને રોકવા તેમજ ગુનાઓને ઝડપથી ઉકેલવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, આગામી દિવસોમાં ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોને રાજ્યના પોલીસ સ્ટેશનો ખાતે કામગીરી સોંપાશે જ્યાં તેઓ ગુનાની તપાસના પ્રથમ દિવસથી જ પોલીસ સાથે રહીને ગુનાને ઝડપથી ઉકેલવામાં મદદ કરશે, આમ પોલીસ, ન્યાય તંત્ર અને ફોરેન્સિક વૈજ્ઞાનિકોના સમન્વયથી દેશની સુરક્ષા વધુ સઘન બનશે. ગુજરાત સલામતીની દૃષ્ટિએ સમગ્ર ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. સ્વદેશી ઉત્પાદનોનું મહત્ત્વ દેશના બહુઆયામી વિકાસમાં ખૂબ જ મહત્ત્વનું છે, સંરક્ષણ તેમજ ફોરેન્સિક ક્ષેત્રે મોટાભાગના સાધનો અને તકનીકો અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે.