સ્ટેટ જીએસટી વિભાગ એક્શનમાં, ટેક્સચોરો પર આવી તવાઈ
- 15 પાનમસાલા વિક્રેતાઓને ત્યાં તપાસની કામગીરી
- બિલ વગર માલ ખરીદનારાઓ પર પણ ત્રાટકશે
- તમાકૂ વિક્રેતાઓ બિલ વગરનો માલ મંગાવે છે
હાલમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતમાં એક સાથે 15 પાનમસાલા વિક્રેતાઓને ત્યાં તપાસની કામગીરી શરુ કરવામાં આવી હતી. તપાસમાં વિભાગે તમામ સ્થળો પરથી મોટાપાયે દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તપાસ બાદ મોટી ટેક્સચોરી સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે.
જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે કેટલાક તમાકૂ વિક્રેતાઓ બિલ વગરનો માલ મંગાવે છે અને બિલ વગર તેને વેચી નાખે છે. આ રીતે મોટાપાયે જીએસટી ચોરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે ડિપાર્ટમેન્ટ દ્વારા છુપી રીતે તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલીક વાસ્તવિકતા બહાર આવતા ડિપાર્ટમેન્ટ દ્વારા સુરતમાં ભાગળ, અમરોલી, કતારગામ સહિતના વિસ્તારોમાં છ સ્થળો સહિત દક્ષિણ ગુજરાતમાં કુલ 15 સ્થળો પર તપાસ શરુ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં કેટલાક તમાકુ વિક્રેતાઓએ બે નંબરમાં માલ ખરીદ્યો હતો અને તેને બિલ વગરજ બારોબાર વેચી નાખતા હોવાનો ખુલાસો થયો હતો. તમામ સ્થળો પરથી વિભાગે ખરીદી-વેચાણ અને સ્ટોક પત્રક સહિતના હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તપાસ બાદ મોટી રકમની ટેક્સચોરી ઝડપાય તેવી સંભાવના છે. થોડા દિવસ પહેલાજ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ટયુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને મોટી રકમની ટેક્સચોરી ઝડપી પાડવામાં આવી હતી.