ગુજરાતટોપ ન્યૂઝ

બિયારણ, ખાતર અને દવાનો રૂ.6.15 કરોડનો જથ્થો અટકાવતી રાજ્ય સરકાર

Text To Speech
  • સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ
  • ૪૮૩ જેટલી નોટિસ ઈશ્યુ કરવામાં આવી

ગાંધીનગર, 7 મે : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા સ્પષ્ટ દિશા-નિર્દેશો અનુસાર રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી.

આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ માટે સઘન ચકાસણી હાથ ધરી હતી.

રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના ૫૯ ઉત્પાદકો તેમજ બિયારણના ૮૪૮, ખાતરના ૫૪૭ અને દવાના ૭૫૦ વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન બિયારણના ૫૨૪, ખાતરના ૧૦૫ અને દવાના ૮૨ એમ કુલ ૭૧૧ નમૂના લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા. આ જે ૭૧૧ નમૂના એકત્ર કરવામાં આવેલા તેમાં કપાસના ૩૨૪ નમૂના લેવાયા હતા. તેમાંથી ૧૧૬ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના ૨૪ નમૂના પૈકીના ૧૯ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાયા હતા. અત્યાર સુધીમાં ૧૧૦ આવા નમૂનાઓના થયેલા પૃથ્થકરણમાં ૧૦૧ પ્રમાણિત અને ૯ બિન પ્રમાણિત જણાયા છે. ૬૩૪ નમૂનાઓનું પૃથ્થકરણ પ્રગતિમાં છે.

આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન અંદાજે ૬.૧૫ કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો ૧,૩૯,૯૭૦ કિલોગ્રામ, ખાતરનો ૧૭૫ મેટ્રિક ટન અને દવાઓનો ૧૩૨૦ કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ રાજ્યવ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન રાજ્ય સ્તરીય ૧૯ ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા ૪૮૩ જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.

Back to top button