મેડિકલ શિક્ષણની ગુણવત્તાનું નિયમન કરવા રાજ્ય સરકારનો નવતર અભિગમ, જાણો શું કર્યું
- 15 સભ્યો સાથેની સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરાઈ
- જુદા જુદા 10 અભ્યાસક્રમોની રેકગ્નાઈઝ કેટેગરીમાં વિવિધ પ૬ એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો
ગાંધીનગર, 20 ડિસેમ્બર : રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર શ્રેષ્ઠત્તમ સારવાર મળી રહે અને મેડિકલ શિક્ષણને વેગ મળે તે દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સીલના ૧૫ સભ્યોની નિમણૂંક કરાઇ છે. રાજ્ય સરકારે આ કાઉન્સિલમાં 15 સભ્યોની નિમણૂંક કરીને રાજ્યમાં મેડિકલ શિક્ષણના ઘોરણો અને ગુણવત્તા વિગેરેનો નિયમન કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. જે માટે આ કાઉન્સીલ હેઠળ 4 જેટલા બોર્ડ પણ બનાવવામાં આવશે.
(૧) Under Graduate Allied and Healthcare Education Board અને (૨) Post Graduate Allied and Healthcare Education Board સ્નાતક, અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી કક્ષાએ Allied and Healthcare Education ના ધોરણો નક્કી કરશે, ફેકલ્ટી ડેવલપમેંટની સમીક્ષા, માન્ય શૈક્ષણિક લાયકાતના અભ્યાસક્રમો અને એલાઈડ હેલ્થકેર વ્યવસાયિકોની મંજૂરી આપશે.
(૩) Allied and Healthcare professions Assessment and Rating Board દ્વારા લઘુત્તમ આવશ્યક ધોરણો જળવાય તે સુનિશ્ચિત કરવા માટે સંસ્થાઓના નિરીક્ષણની વ્યવસ્થા કરીને નવી Allied and Healthcare સંસ્થાઓ માટે મહેકમ અને બેઠક ક્ષમતાને મંજૂરી આપીને, નિરીક્ષકોની પેનલ બનાવીને, દંડની ચેતવણી લાગુ કરીને, સંસ્થાની માન્યતા પાછી ખેંચવા માટે ભલામણ કરીને અને સ્ટેટ કાઉન્સિલ દ્વારા સોંપાયેલ અન્ય કોઈ કામગીરી કરી ને Allied and Healthcare સંસ્થાઓના મૂલ્યાંકન અને રેટીંગ નિર્ધારિત કરશે.
(૪) Allied and Healthcare professions Ethics and Registration Board દ્વારા રાજ્યના તમામ એલાઈડ હેલ્થકેર વ્યવસાયીનું ઓનલાઈન અને લાઈવ સ્ટેટ રજિસ્ટર જાળવવાનું રહેશે, વ્યાવસાયિક વર્તણુકનું નિયમન અને નીતિને ઉત્તેજન આપવાનું અને સ્ટેટ કાઉન્સિલ દ્વારા સોંપણી કર્યા પ્રમાણે અન્ય કામગીરી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ એલ્યાઇડ હેલ્થ સાયન્સ અભ્યાસક્રમો જેવા કે ફિઝીયોથેરાપીની ૪૮૧૦ બેઠકો, ઓપ્ટ્રોમેટ્રી ૩૧૦ બેઠકો,ઓકયુપેશનલથેરાપીની ૧૦, પ્રોસ્ટેથીકની ૧૦ બેઠકો ઉ૫લબ્ધ છે . તેમજ રાજયમાં અન્ય વિવિધ સ્નાતક અને અનુસ્નાતક પેરામેડીકલ અભ્યાસક્રમો કાર્યરત છે. જે પૈકી ફીઝીયોથેરાપી અભ્યાસક્રમના નિયમન અર્થે ફીઝીયોથેરાપી કાઉન્સીલની રચના કરવામાં આવેલ છે. જયારે અન્ય પેરામેડીકલ અભ્યાસક્રમોના નિયમન જે તે યુનિર્વસીટી ધ્વારા કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા તા.૨૮/૦૩/૨૦૨૧ના રોજ જાહેરનામું બહાર પાડી ‘ધ નેશનલ કમિશન ફોર એલ્યાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ’ની રચના કરવામાં આવી છે. જે ભારત ભરમાં તમામ એલાઇડ હેલ્થ કેર કોર્ષના અભ્યાસક્રમોનું નિયમન કરનારી એપેક્ષ સંસ્થા છે. ભારતમાં અત્યાર સુધીમાં ૧૪ રાજયો ધ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સીલની રચના કરેલ છે. રાજય સરકાર દ્વારા આજે તા.૨૦/૧૨/૨૦૨૪ના નોટીફીકેશનથી રાજયમાં સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સીલના ૧૫ સભ્યોની નિમણૂંક કરાઇ છે. અગાઉ તા.૨૬/૧૧/૨૦૨૪ના નોટીફીકેશનથી આ કાઉન્સીલના નિયમો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ કાઉન્સીલ દ્વારા ૧૦ અલગ અલગ અભ્યાસક્રમોની રેકગ્નાઈઝ કેટેગરી નિશ્ચિત કરવામાં આવી છે. આ ૧૦ કેટેગરીમાં વિવિધ પ૬ એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે.
રાજ્યની ફિઝીયોથેરાપી કાઉન્સિલમાં ૧૬,૦૦૦થી વધારે ફિઝીયોથેરાપીસ્ટોનું રજીસ્ટ્રેશન થયેલ છે, આ તમામ ફીઝીયોથેરાપીસ્ટનો એલાઇડ હેલ્થ કાઉન્સિલની રચના થતા તેમા સમાવેશ થઇ જશે, ફીઝીયોથેરાપી અભ્યાસક્રમ ઉપરાંત અન્ય ૫૫ અભ્યાસક્રમોના તજજ્ઞોની પણ નોંધણી હવે એલાઇડ હેલ્થ કેર એન્ડ સાયન્સીસ કાઉન્સીલમાં થશે. આ કાઉન્સીલ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ Allied and Healthcare Education ના ધોરણો નક્કી કરશે. ફેકલ્ટી ડેવલપમેંટની સમીક્ષા, માન્ય શૈક્ષણિક લાયકાતના અભ્યાસક્રમોની મંજૂરી અને સ્નાતક તેમજ અનુસ્નાતક શિક્ષણ માટે સરકાર દ્વારા સોંપણી કર્યા પ્રમાણે અન્ય કામગીરી કરશે.
આ કાઉન્સિલ રાજ્યમાં એલાઈડ અને હેલ્થકેર સંસ્થાઓનું નિરીક્ષણ અને એલાઈડ અને હેલ્થકેર વ્યાવસાયિકોની નોંધણી પણ કરશે.આ વ્યાવસાયિકોએ પાલન કરવાના નીતિ અને આચાર સંહિતાનું પાલન કરાવવાનું અને રાજ્ય રજિસ્ટરમાંથી વ્યાવસાયિકોના નામ કમી કરવા સહિત શિસ્તવિષયક પગલા લેવાની કામગીરી પણ આ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે.
આ કાઉન્સિલ દ્વારા ૧૦ અલગ અલગ અભ્યાસક્રમોની રેકગ્નાઈઝ કેટેગરી કઇ હશે ?
- (૧) મેડીકલ લેબોરેટરી અને લાઈફ સાયન્સિસ,
- (૨) ટ્રોમા, બર્નકેર અને સર્જીકલ/એનેસ્થેશિયા રીલેટેડ ટેક્નોલોજી,
- (૩) ફિઝીયોથેરાપી પ્રોફેશનલ,
- (૪) ન્યુટ્રીશન સાયન્સ પ્રોફેશનલ,
- (૫) ઓપ્થેલ્મિક સાયન્સ પ્રોફેશનલ,
- (૬) ઓક્યુપેશનલથેરાપી પ્રોફેશનલ,
- (૭) કોમ્યુનિટી કેર, બીહેવરલ હેલ્થ સાયન્સિસ અને અધર પ્રોફેશનલ્સ,
- (૮) મેડીકલ રેડીયોલોજી, ઈમેજીંગ એન્ડ થેરાપ્યુટીક ટેક્નોલોજી પ્રોફેશનલ,
- (૯) મેડીકલ ટેક્નોલોજીસ્ટ એન્ડ ફિઝીશિયન એસોસીયેટ,
- (૧૦) હેલ્થ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ એન્ડ હેલ્થ ઈન્ફોર્મેટીક પ્રોફેશનલ.
- આ ૧૦ કેટેગરીમાં વિવિધ પ૬ એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરેલ છે.
આ પણ વાંચો :- Video : ઝાંસીમાં ન્યાય માટે પોલીસ મથકે ગયેલા યુવાનને પોલીસકર્મીએ 31 સેકન્ડમાં 41 ફડાકા ઝીંક્યા!