ગુજરાત

રાજ્ય સરકારનો નવતર અભિગમ, ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે અરજીઓ મંગાવી

  • હાલમાં ૧૦ જિલ્લાઓના ખેડૂતોને સરકારી ખર્ચે મહત્તમ ૨,૪૬૦ ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે
  • ખેડૂતોએ મહત્તમ સાઇઝ ૪૦ x ૪૦ મીટર અને મહત્તમ ૬ મીટર ઉંડાઇની ખેત તલાવડી સ્વખર્ચે કરવાની રહેશે
  • રસ ધરાવતા ખેડૂતોએ g-talavadi.gujarat.gov.in પર તા.૦૫/૦૬/૨૦૨૩થી તા.૨૬/૦૬/૨૦૨૩ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • અરજીથી માંડીને ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઇન સ્વરૂપે જ સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા જળસંચયને આગળ ધપાવવા રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી અનેકવિધ નવતર પગલાંઓ હાથ ધર્યાં છે. પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવી જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાક બચાવવામાં તેમજ રવિ સિંચાઈમાં પાણીને ઉપયોગ કરી શકાય. આમ, ખેતતલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતોના પાકને પૂરક સિંચાઇ કરી વધુ પાક ઉત્પાદન મેળવી ભૂગર્ભજળનો વપરાશ ઘટાડી શકાશે.

ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરાશે

આ માટે રાજ્યના પાણીની અછતવાળા દસ જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી લાભ આપવાનું નક્કી કરાયું છે. આ યોજના અંતર્ગત હાલમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ સહિત કુલ ૧૦ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

આ યોજનાનો લાભ લેવા માટે ખેડુત ખાતેદારોએ વેબસાઇટ g-talavadi.gujarat.gov.in પર તા. ૦૫/૦૬/૨૦૨૩થી તા. ૨૬/૦૬/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફિલ્ડ વેરીફીકેશન કર્યા પછી યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી નક્કી કરાશે. અરજી કરવાથી માંડીને ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઇન સ્વરૂપે જ સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી કરવામાં આવશે. અરજકર્તા ખેડૂતોને SMSથી ડ્રો અંગેની જાણ પણ કરાશે તેમજ વેબસાઇટ પર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે એમ નર્મદા, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.

જીઓમેમ્બ્રેન-humdekhengenews

જીઓમેમ્બ્રેન વધારે વપરાશે તો  ખર્ચ ખેડૂતે  આપવાનો રહેશે

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેતતલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઇઝ ૪૦ x ૪૦ મીટર અને મહત્તમ ૬ મીટર ઉંડાઇ (૧.૫:૧નો ઢાળ) જરૂરી છે. તે મુજબ રાજ્ય સરકાર દ્વારા સરકારી ખર્ચે મહત્તમ ૨,૪૬૦ ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. સંજોગોવશાત ખેડૂતો દ્વારા વધારે ખોદાણ કરવામાં આવેલ હશે એટલે કે ખેત તલાવડીની સાઇઝ વધારે હશે તો નિયત મહત્તમ મર્યાદા કરતાં જેટલા જથ્થામાં જીઓમેમ્બ્રેન વધારે વપરાશે તેનો ખર્ચ સંબંધિત ખેડૂત ખાતેદારે ભોગવવાનો રહેશે.

જીઓમેમ્બ્રેનને નુક્શાની ન થાય તેની જવાબદારી  ખેડૂતની રહેશે

સિંચાઇ વિભાગ દ્વારા જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે ઇજારદારો નક્કી કરાશે. ત્યાર બાદ આ ઇજારદારો મારફતે જેમ-જેમ લાભાર્થીઓનું આખરીકરણ થશે તેમ તૈયાર થયેલ ખેતતલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. આવી તૈયાર થયેલ ખેત તલાવડીઓમાં ચોમાસામાં મહત્તમ પાણીનો સંગ્રહ થાય તથા જીઓમેમ્બ્રેનને નુક્શાની ન થાય તે પ્રકારે કાળજીપૂર્વક જરૂરી સારસંભાળ રાખવાની જવાબદારી જે-તે લાભાર્થી ખેડૂત ખાતેદારની રહેશે.

આ જરુરી દસ્તાવેજ આપવાના રહેશે

ઓનલાઈન અરજીમાં ખેડૂત ખાતેદારે દ્વારા જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે, જેમાં ખેડૂતનું નામ, પૂરું સરનામું તથા મોબાઈલ નંબર, ખેડૂતના આધાર કાર્ડની નકલ આપવાની રહેશે. ખેત તલાવડી બનાવવા માંગતા હોય તે ખેતરનો સર્વે નંબર /બ્લોક નંબર તથા વિસ્તાર, ખેતરનાં ૭/૧૨ તથા ૮-અ ના ઉતારાની નકલ, જીઓમેમ્‍બ્રેન નાખવાની ચોરસમીટરમાં જરૂરિયાતની વિગત, સ્વખર્ચે ખેત તલાવડીનું ખોદાણકામ કરવા અંગે તેમજ તેની મરામત, સાફસફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેની બાંહેધરી પત્રક સહિતની વિગતોનો સમાવેશ થાય છે. આ કામગીરીને લગતી વધુ માહિતી g-talavadi.gujarat.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે એમ વધુમાં જણાવાયું છે.

આ  પણ વાંચો : ઓડિશા ટ્રેન દુર્ઘટના : ઘટનાસ્થળે પહોંચ્યા PM મોદી, ઘાયલોને મળવા હોસ્પિટલ પણ જશે

Back to top button